ગુજરાત
News of Saturday, 7th December 2019

વડોદરામાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ચકચારી ઘટનામાં રાજસ્થાનથી બે શકમંદો ઝડપાયાઃ અજ્ઞાત સ્થળે ખાનગીમાં ભારે પૂછપરછ

આરોપીઓ એજ છે કે બીજા? તેની ચકાસણી ચાલી રહી છેઃ સીપી અનુપમસિંહ ગેહલોતઃ પીડીત પરિવારને ૭ લાખની સહાયનો ચેકનું વિતરણ : અઢી લાખ રોકડા અપાયા

રાજકોટ, તા., ૭: સમગ્ર ગુજરાતમાં  ચકચાર જગાવનાર વડોદરાના નવલખી મેદાનમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનામાં રાજસ્થાનથી બે શખ્સોને અટક કરવામાં પોલીસને સફળતા સાંપડયાનું જાણવા મળે છે. સુત્રોના કથન અનુસાર આરોપીઓની  ખાનગીમાં ભારે પૂછપરછ અજ્ઞાન સ્થળે ચાલી રહયાનું પણ બહાર આવ્યું છે.

ઉકત બાબતે વડોદરાના પોલીસ કમિશ્નર  અનુપમસિંહ ગેહલોતનો સંપર્ક સાધતા તેઓએ રાજસ્થાનમાંથી બે શખ્સોની અટક થયાની બાબતને સમર્થન આપવા સાથે દુષ્કર્મના આરોપીઓ એ જ છે કે નહિ? તે બાબતે હજુ કોઇ સ્પષ્ટતા ન હોવાનું પણ જણાવ્યું હતું.

અત્રે યાદ રહે કે આરોપીઓને ઝડપવા માટે પોલીસની અઢી ડઝનથી વધુ ટીમો સક્રિય બની છે. જેમાં ટેકનીકલ સર્વેલન્સ તજજ્ઞો પણ સામેલ થયા છે. ઠેર-ઠેર દરોડાઓનો અને તલાશીઓ ચાલી રહી છે. તપાસ નાજુક તબક્કામાં હોવાથી પોલીસ કોઇ વિગતો જાહેર ન કરતી હોવાનું પણ સુત્રો જણાવે છે.

દરમિયાન રાજય સરકારની વિકટીમ  ગર્લ્સ કોમ્પેન્સેશન કમીટી દ્વારા પીડીતાના પરીવારને ૭ લાખની સહાયનો ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાંથી પરિવાર અઢી લાખ ઉપાડી શકશે. બાકીના ૪ાા લાખ બેંકમાં ડીપોઝીટ થશે જે પીડીતાના ૧૮ વર્ષથી ઉંમરના થાય ત્યારે મળી શકશે. રોકડમાં મળેલ અઢી લાખ રૂપીયા દવા અને અન્ય સારવાર માટેના ખર્ચ માટે અપાયા છે.  બાકીના ૪ાા લાખ રૂપીયા તેના પુનઃવર્સન  માટે વાપરી શકાશે. (૪.૮)

(11:52 am IST)