ગુજરાત
News of Saturday, 7th December 2019

કોર્ટના આદેશો છતાં સિંહને પજવણી કરવાનું કૃત્ય ચાલુ

રાબારીકા રાઉન્ડમાં સિંહની પજવણીનો વીડિયો : સિંહથી માત્ર થોડા અંતરે જ એક યુવક ઉભો હોય છે અને બીજો સાથી વિડિયો ઉતારી લે છે : પોલીસ દ્વારા ચકાસણી

અમદાવાદ, તા. : ગુજરાત હાઇકોર્ટના કડક આદેશો અને સિંહની પજવણી રોકવાના તમામ પગલાં લેવાઇ રહ્યા હોવાના દાવાઓ વચ્ચે ખાંભા પંથકમાં તુલસીશ્યામ રેન્જમાં રાબારીકા રાઉન્ડ પર સિંહોની પજવણીનો વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઇ છે. હજુ થોડાં સમય પહેલા રાણીગપરાના પાટીયા નજીક એક પુખ્ત વયની સિંહણને વાહને ઠોકર મારતા મોત નીપજ્યું હતું. ત્યાં વિસ્તારના એક યુવક હાથબતી લઇ સિંહ પાછળ જઇ પજવણી કરે છે અને તેનો સાથીદાર મિત્ર વીડિયો ઉતારી રહ્યો હોવાની ઘટના સામે આવતાં વિવાદ ગરમાયો છે. સિંહને પજવણી કરતો વીડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયો છે. સિંહની પજવણી અંગે રાઉન્ડના ફોરેસ્ટર યાસીન જુનેજાને ૫ાંચ દિવસ પહેલા જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇને હવે વનવિભાગ અને સ્થાનિક સત્તાવાળાઓની કામગીરી અને નિષ્ઠા પરત્વે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, જાણે તેઓ ગુનાના આરોપીને તેવો પુરાવા નાશ કરવાનો સમય આપતા હોય તેમ લાગી રહ્યું હોય તેવી ચર્ચાએ પણ જોર પકડયુ છે.

                 બીજીબાજુ, વનવિભાગના વડા સીસીએફ વસાવડાને ટેલિફોનિક રજૂઆત કરી પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. વીડિયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરનારનું એકાઉન્ટ ખાંભા તાલુકાના મોટાબારમણના યુવકનું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઘટના બાદ સ્થાનિક એક વ્યક્તિ દ્વારા પાંચ દિવસ પેહલા રાબારીકા રાઉન્ડ ફોરેસ્ટર યાસીન જુનેજાને જાણ કરી પૂરાવા આપ્યા હતા. પરંતુ હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હજી સુધી યુવકને વનવિભાગ પકડી શક્યું નથી તેમજ તેનો મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો નથી. જ્યારે રાબારીકા રાઉન્ડ ફોરેસ્ટર યાસીન જુનેજા દ્વારા ક્યાં કારણોસર ઘટનાને દબાવવા માંગે છે તે અંગે ખાતાકીય તપાસ થવી જોઈએ તેવું સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે. વન્ય પ્રેમીઓમાં સમગ્ર ઘટનાને લઇ ઉગ્ર આક્રોશની લાગણી પણ જોવા મળી રહી છે.

(8:52 pm IST)