ગુજરાત
News of Friday, 7th December 2018

યશપાલ અને ઇન્દ્રવદનના દસ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

પેપર લીક મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયાઃ વિવિધ મામલે તપાસ બાકી હોવાથી પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરી હતી : આરોપીને સાથે રાખીને તપાસ

અમદાવાદ, તા.૭: ગુજરાત લોકરક્ષક દળના પેપર લીક કૌભાંડમાં ગઇકાલે ધરપકડ કરાયેલા યશપાલસિંહ સોલંકી ઉર્ફે ઠાકોર અને ઇન્દ્રવદન પરમારના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જયારે આરોપી રાજેન્દ્ર વાઘેલાને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા. પોલીસે આજે ત્રણેય આરોપીઓને ગાંધીનગર કોર્ટમાં લોખંડી જાપ્તા સાથે રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે યશપાલસિંહ સહિતના ત્રણેય આરોપીઓના દસ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે યશપાલસિંહ સહિતના ત્રણેય આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના ઉમેદવારોને ચાર ગાડીઓમાં ચિલોડાથી ગુડગાંવ લઇ જવાયા હતા અને ત્યાંથી દિલ્હીની ગેંગના માણસો તેમના વાહનોમાં ઉમેદવારોને દિલ્હી લઇ ગયા હતા અને ત્યાં જુદા જુદા સ્થળોએ પાંચ-પાંચના ગ્રુપમાં બધાને પેપર અને આન્સરશીટ બતાવ્યા હતા તેથી દિલ્હીની આ ગેંગના સંપર્કો, તેના સભ્યો, આન્સર શીટ કોણે આપી અને દિલ્હીની ગેંગ સિવાય અન્ય કોણ કોણ આ કૌભાંડમાં સંડોવાયેલું છે તે સહિતના મુદ્દે આરોપીઓના સાથે રાખી તપાસ કરવાની છે. પેપર લીક થયા બાદ આરોપીઓ અત્યાર સુધી નાસતા ફરતા રહ્યા હતા, તેથી તેઓ કયાં કયાં ગયા અને કોના સંપર્કમાં આવ્યા તેમ જ તેઓને કોણે કોણે મદદગારી કરી, આશરો આપ્યો તે સહિતની વિગતો પણ જાણવાની છે. આરોપીઓને સાથે રાખી દિલ્હી સહિતના સ્થળોએ તપાસ માટે જવાનું છે. આ સંજોગોમાં કોર્ટે આરોપીઓના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. પોલીસની આ રિમાન્ડ અરજી ધ્યાને લીધા બાદ કોર્ટે યશપાલસિંહ અને ઇન્દ્રવદન પરમારના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા., જયારે રાજેન્દ્ર વાઘેલાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલલેખનીય છે કે, પપેર લીક કૌભાંડ મામલે પોલીસ હાલ પરીક્ષાર્થીઓને પકડીને તેમની પાસેથી કડીઓ મેળવી રહી છે. પરંતુ તેની પાછળની મોટી માછલીઓ સુધી પહોંચવા માટે પોલીસ હજુ કંઇ કરી શકી નથી. બીજી તરફ પોલીસ અત્યાર સુધીની તપાસમાં પ્રિન્ટિગ પ્રેસ સુધી પહોંચીને અટકી ગઈ છે. પોલીસનો દાવો છે કે, આરોપી ઇન્દ્રવદન પરમાર તેની મુખ્ય કડી સમાન છે, અને તેની વોટ્સએપ ચેટમાં દિલ્હીની ગેંગ સાથેના સંપર્કો અને કોલ વિગત પણ મળી છે.

પોલીસનો દાવો છે કે પોલીસ પાસે સૌથી વધુ ટેકનિકલ એવિડન્સ છે, આમ છતાં પોલીસ દિલ્હીના બે વ્યક્તિઓના નામ કેમ છુપાવી રહી છે? તેમજ ગુજરાતમાં પકડાયેલા મુખ્ય આરોપીઓનો બોસ કોણ છે?તેનો પોલીસ પાસે કોઇ જવાબ નથી. ખરેખર જો પેપર પ્રિન્ટિગ પ્રેસમાંથી લીક થયું હોયતોગુજરાતના વચેટીયાઓ કોણ છે?, પ્રિન્ટિગ પ્રેસ માટે પરીક્ષાબોર્ડને કોણે ભલામણ કરી? અથવા કોના મારફતે પ્રિન્ટિગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી એવા તમામ પ્રશ્નો વણઉકેલ્યા છે. આરોપી મનહર પટેલ પણ દિલ્હીની ગેંગને જાણતો હતો. જો કે, હવે આરોપીઓના રિમાન્ડમાં નવા ખુલાસાઓ સામે આવવાની પૂરી શકયતા છે.

(9:43 pm IST)