ગુજરાત
News of Friday, 7th December 2018

છેલ્લા ૪ વર્ષમાં ૧૪ કરોડના ડસ્ટબિન લોકોને અપાયા છે

સૂકા-ભીના કચરા માટે અલગ ડસ્ટબિનની માંગ : અલગ અલગ ડસ્ટબિન વિતરણ કરવા માટેની નવી ઝુંબેશ

અમદાવાદ,તા.૭ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત સોમવારથી નાગરિકો પાસેથી ડોર ટુ ડોર હેઠળ માત્ર સૂકો અને ભીનો કચરો લેવાતો હોઇ તંત્રના આ નવતર અભિયાનને એક તરફ જાગૃત નાગરિકોએ આવકાર્યું છે તો બીજી તરફ અમુક વિસ્તારમાં કચરાને અલગ પાડીને આપવા માટે નાગરિકોમાં ખાસ કરીને મહિલાઓમાં ડસ્ટબિનની માંગણી ઊઠી છે, પરંતુ નાગરિકોને છેલ્લાં ચાર વર્ષમાં રૂ.૧૪ કરોડથી વધુની કિંમતનાં ડસ્ટબિનનું વિતરણ કરાયું હોવાનું સત્તાધીશોના સત્તાવાર આંકડાથી જાણવા મળ્યું છે. જો અમ્યુકો તંત્ર દ્વારા અગાઉની જેમ હવે સૂકા અને ભીના કચરા માટેના અલગ-અલગ ડસ્ટબિન વિતરણ કરાય તો અમ્યુકોની આ નવી ઝુંબેશ રંગ લાવે તેમાં કોઇ બેમત નથી. શહેરમાં સંસદસભ્ય, ધારાસભ્ય અને કોર્પોરેટરના સ્વબજેટના નાણાં તેમજ કોર્પોરેશનના જનરલ બજેટથી નાગરિકોને વિવિધ ક્ષમતાના ડસ્ટબિન ફાળવાઇ રહ્યાં છે. કેટલાક વિસ્તારમાં આજે પણ ડસ્ટબિન ફાળવવાની માગણી ઊઠતી હોઇ શાસકોએ હવે પછી તંત્ર ડસ્ટબિન ફાળવશે નહીં તેવી જાહેરાત પણ કરી છે. જોકે તંત્રના ડસ્ટબિન ફાળવણીના આંકડા ભારે ચોંકાવનારા છે. ફક્ત વર્ષ ર૦૧પ-૧૬થી ચાલુ વર્ષના ગત તા.પ ડિસેમ્બર, ર૦૧૮ સુધીમાં કુલ રૂ.૧૪.૦૧ કરોડના ડસ્ટબિનનું વિતરણ કરાયું છે, જેમાં વર્ષદીઠ ડસ્ટબિન પાછળ કરાયેલા ખર્ચના આંકડા તપાસતાં ગત વર્ષ ર૦૧પ-૧૬માં રૂ.૪.૦૬ કરોડ, ગત વર્ષ ર૦૧૬-૧૭માં રૂ.૪.૩૬ કરોડ ગત વર્ષ ર૦૧૭-૧૮માં રૂ.૩.૧૮ કરોડ અને ચાલુ વર્ષ ર૦૧૮-૧૯માં રૂ.ર.૪૦ કરોડ ડસ્ટબિન માટે ખર્ચાયા છે. નાગરિકોને તંત્ર તેમજ જનપ્રતિનિધિની ગ્રાન્ટમાંથી દશ લિટર, વીસ લિટર, પચાસ લિટર અને એંશી લિટર ક્ષમતાના ડસ્ટબિન અપાયાં છે, જેની સત્તાવાર રીતે અપાયેલી માહિતી મુજબ ૧૦ લિટરના સૌથી વધુ પ.૬૬ લાખ, ર૦ લિટરના ૩૧,૮૭૬, પ૦ લિટરના ૧૩,૮ર૩ અને ૮૦ લિટરના ર૪,૪૩૮ મળીને કુલ ૬,૩પ,૬૪૪ ડસ્ટબિનનું લોકોમાં વિસ્તરણ કરાયું છે. આ અંગે વધુ માહિતી આપતાં મેયર બીજલબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ અને મ્યુનિસિપલ ભાજપના નેતા અમિત શાહે જણાવ્યું હતું કે, અત્યારે જે ડસ્ટબિનના ઓર્ડર મંજૂરીની પ્રક્રિયામાં છે તેને ખરીદીને નાગરિકોમાં વહેંચાશે, પરંતુ નવા ડસ્ટબિનનો ઓર્ડર અપાશે નહીં. લોકોએ સ્વખર્ચે ડસ્ટબિન લેવા પડશે. અત્રે ઉલ્લેખની છે કે ગત તા.પ જૂન, ર૦૧૭ના વિશ્વ પર્યાવરણ દિવસે અગાઉના મેયર ગૌતમ શાહે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ એક જ દિવસે શહેરમાં પચાસ હજાર ડસ્ટબિનનું વિતરણ કર્યું હતું. તેથી હવે નાગરિકો સૂકા-ભીના કચરાના અલગ ડસ્ટબિનની માંગણી કરી રહ્યા છે, ખાસ કરીને મહિલાઓએ આ માંગણી જોરશોરથી ઉઠાવી છે, તેથી અમ્યુકો સત્તાધીશો આ મામલે વિચાર કરવો જોઇએ.  કેટલાક નાગરિકોએ નારાજગી પણ વ્યકત કરી હતી કે, જો અમ્યુકો સત્તાવાળાઓ સૂકા ભીના કચરા માટે અલગ અલગ ડસ્ટબિન ના આપે તો અમે કચરો શેમાં ભરીને આપીએ. તંત્રની આ ઉદાસીનતાના કારણે નવતર ઝુંબેશની અમલવારીમાં ભલીવાર ના આવે.

 

(8:03 pm IST)