ગુજરાત
News of Friday, 7th December 2018

ગાંધીનગરમાં અગાઉ ખેડૂત પર હુમલો કરનાર ચાર આરોપીને અદાલતે સાત વર્ષની સજાની સુનવણી કરી

ગાંધીનગર: જિલ્લાના માણસા તાલુકામાં સમૌ ગામે છ વર્ષ અગાઉ ખેડૂત ઉપર હુમલો કરીને તેની સોનાની ચેન અને રોકડ રકમ લૂંટી લેવા સંદર્ભે માણસા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે કેસ ગાંધીનગર એડી.સેસન્સ જજની કોર્ટમાં ચાલ્યો હતો જેમાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ર૬ સાહેદોને તપાસી ચાર આરોપીઓને સાત વર્ષની સજા ફટકારી છે તેમજ ૬૪ હજારનો દંડ ભરવાનો પણ હુકમ કર્યો છે. 

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમૌ ગામે વિષ્ણુજી ડોસાજી ચાવડાની વર્ષોથી જમીન આવેલી છે જેમાં જમીન નહીં વાવવા અને આ જમીનમાંથી નીકળી જવા બાબતે ગત તા.૯ ઓકટોબર ર૦૧૨ના રોજ બપોરના સમયે ચાવડા જયદીપસિંહ બાલુજી અને બાલુજી મનુજી ચાવડા કાર લઈને આવ્યા હતા અને કેમ ખેતર બથાવી પાડેલ છે તેમ કહી હુમલો કર્યો હતો અને મેહુલસિંહ પ્રવિણસિંહ તેમજ લાલસિંહ ઉર્ફે રાજેન્દ્રસિંહ ચાવડા પણ ત્યાં આવી ગયા હતા અને જપાજપી કરી આ ચાર આરોપીઓએ વિષ્ણુજી સાથે મારામારી કરીને તેમની સોનાની ચેન લૂંટી લીધી હતી અને પાંચ હજાર રૃપિયા રોકડા પણ લુંટયા હતા.

(5:35 pm IST)