ગુજરાત
News of Friday, 7th December 2018

પેટલાદમાં ટ્યુશન ક્લાસીસ પાસેથી યુવાન ગૂમ: અપહરણનો ગુનો દાખલ થતા તપાસ શરૂ

પેટલાદ: શહેરના ટાઉન હોલ પાસે આવેલા ટ્યુશન ક્લાસીસ પાસેથી એક કિશોર ગુમ થઈ જતાં આ અંગે પેટલાદ શહેર પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદની કોલેજ ચોકડી પાસે આવેલી ભગવતી સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ શાંતિલાલભાઈ પ્રજાપતિનો ૧૬ વર્ષ અને ૬ માસની ઉંમર ધરાવતો પુત્ર સુમિત ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. તે ટાઉનહોલ પાસે આવેલા ટ્યુશન ક્લાસીસમાં સવારના સુમારે ટ્યુશન જતો હતો. ગઈકાલે સવારના સુમારે તે ઘરેથી ટ્યુશન જવાનું કહીને નીકળ્યો હતો. ત્યારબાદ તે ટ્યુશનના સ્થળે પહોંચ્યો નહોતો અને ક્યાંક ગુમ થઈ ગયો હતો. તેના પરિવારજનોએ મિત્ર વર્તુળ તેમજ સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હોવા છતાં પણ મળી આવ્યો નહોતો. જેથી આજે ગોવિંદભાઈએ પેટલાદ શહેર પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 

સુત્રોના જણાવ્યા અનુસાર સુમીતને ભણવુ ના હોય ક્યાંક ગુમ થઈ ગયો છે. તે ટ્યુશન ક્લાસીસમાં પણ અનિયમિત હોવાનું જાણવા મળ્યું છે.

(5:30 pm IST)