ગુજરાત
News of Friday, 7th December 2018

આણંદ નજીક નોકરી અપાવવાના બહાને કાસોરની પરિણીતા પાસે અભદ્ર માંગણી કરતા પોલીસ ફરિયાદ

આણંદ:નજીક આવેલા કાસોર ગામે રહેતી એક ૪૦ વર્ષીય પરિણીતાને નોકરી અપાવવાના બહાને મુળ ભાલેજના પરંતુ હાલમાં આણંદ ખાતે રહેતા શખ્સે અઘટિત માંગણીઓ કરતાં આ અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર કાસોર ખાતે રહીને પાણીપુરીનો ધંધો કરીને જીવન ગુજરાન ચલાવતી પરણિતા અગાઉ આણંદ અને અમદાવાદ ખાતે નોકરી કરતી હતી પરંતુ ત્યાં ફાવટ ના આવતા નોકરી છોડી દીધી હતી. દરમિયાન દોઢેક મહિના પહેલાં તેણીના મોબાઈલ ફોન પર મુળ ભાલેજના પરંતુ હાલમાં આણંદના જકાતનાકા પાસે રહેતા મોબીન યુનુસભાઈ વ્હોરાનો ફોન આવ્યો હતો અને તેણે નોકરી અપાવવાના બહાને રાહતલાવ બસસ્ટેન્ડ પાસે બોલાવી હતી. જેથી પરિણીતા ત્યાં જતા મોબીન વ્હોરા વાન લઈને આવી ચઢ્યો હતો અને તેણીને ગાડીમાં બેસાડીને લઈ જતો હતો ત્યારે રસ્તામાં શરીર સંબંધ બાંધવાની વાત કરી હતી જેથી ડઘાઈ ગયેલી પરિણીતાએ સ્પષ્ટ ના પાડીને કારમાંથી ઉતારી દેવાની માંગણી કરતા તેને પુન: રાહતલાવ બસસ્ટેન્ડે છોડી દેવામાં આવી હતી. 
ત્યારબાદ મોબીન વ્હોરા દ્વારા વારેઘડીએ ફોન કરીને અઘટિત માંગણીઓ કરતો હતો. આજે બપોરના સુમારે ફરીથી મોબીનનો ફોન આવ્યો હતો અને તેણે ક્યાં મળવા આવો છો, કયા ગેસ્ટહાઉસમાં જઈશું તેમ જણાવીને અઘટિત માંગણીઓ ચાલુ કરી દીધી હતી. જેથી પરિણીતા અને પતિ ભાલેજ ચોકડીએ જતાં મોબીને ફરીથી ફોન કરીને અંતરા હોટલ પર આવવાનું જણાવ્યું હતુ. જો કે કંટાળી ગયેલી પરિણીતા ત્યાંથી સીધી જ ભાલેજ પોલીસ મથકે પહોંચી હતી અને પોતાની ફરિયાદ આપી હતી.

(5:29 pm IST)