ગુજરાત
News of Friday, 7th December 2018

ધો. ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એક જ દિવસે બોર્ડના બે પેપર : વાલીઓ નારાજ

અમદાવાદ તા. ૭ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરી દેવાયું છે. ત્યારે ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના વાલીઓએ હંગામો મચાવ્યો છે. બોર્ડે એક જ દિવસે બે પેપર રાખ્યા હોવાથી વાલીઓમાં રોષ છે. ટાઈમટેબલ મુજબ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ સવારે ઈતિહાસ અને બપોરે ફિલોસોફીનું પેપર આપવાનું રહેશે.

એક જ દિવસે બે પેપર હોવાથી વાલીઓ બાળકો માટે ચિંતિત છે કારણકે વિદ્યાર્થીઓ પર પરીક્ષાનો ભાર વધી જશે. વાલીઓએ બોર્ડના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. વાલીઓના ગુસ્સાનું બીજું એક કારણ છે કે ગયા વર્ષે પણ બોર્ડે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને આ પ્રકારનું જ ટાઈમટેબલ આપ્યું હતું. તે વખતે વાલીઓએ બોર્ડ સમક્ષ રજૂઆત કરતાં આવતા વર્ષે એક દિવસમાં બે પેપર હોય તેવું ટાઈમટેબલ નહીં આપવાની બોર્ડે ખાતરી આપી હતી.

આ વર્ષે પણ બોર્ડે ગયા વર્ષ જેવું જ ટાઈમટેબલ આપતાં વાલીઓનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે. શિક્ષણ બોર્ડે ગયા વર્ષે આપેલું વચન ન પાળતાં હવે વાલીઓએ આ મુદ્દો લઈને શિક્ષણમંત્રી પાસે જવાનો નિર્ણય કર્યો છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપવાના છે.

(11:49 am IST)