ગુજરાત
News of Friday, 7th December 2018

રાજ્યમાં મુસ્લિમ વિદ્યાર્થીઓના પ્રોફાઇલિંગનો આક્ષેપ કરતી રિટમાં સરકારનું સોગંદનામું રજૂ

ઓનલાઇન ફોર્મમાં વિદ્યાર્થીઓ પાસેથી આધાર કાર્ડની વિગતો ફરજીયાતપણે માગવામાં આવતી નથી.

અમદાવાદ :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્મમિક બોર્ડ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાના ઓનલાઇન ફોર્મમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સવિશેષ વિગતો અને આધાર કાર્ડનો ડેટા માગે છે. જેના દ્વારા સરકાર મુસ્લિમ વિદ્યાર્થીઓનું પ્રોફાઈલિંગ કરી રહી હોવાનો આક્ષેપ કરતી રિટમાં રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું.

  સોગંદનામામાં રજૂઆત છે કે વર્ષ ૨૦૧૨માં સરકારે ધાર્મિક લઘુમતીનો ડેટાબેઝ એકત્ર કરવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. તેથી મુસ્લિમ વિદ્યાર્થીઓની વધુ વિગત માગવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થીઓના આધાર કાર્ડની વિગત માગવા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે ઓનલાઇન ફોર્મમાં વિદ્યાર્થીઓ પાસેથી આધાર કાર્ડની વિગતો ફરજીયાતપણે માગવામાં આવતી નથી.

  અરજદારનો આક્ષેપ છે કે ઓનલાઇન ફોર્મમાં વિદ્યાર્થીને એવું પૂછવામાં આવે છે કે તે લઘુમતી સમુદાયમાંથી આવે છે કે નહીં. જો તે હા વિકલ્પ પસંદ કરે તો અન્ય બે વિકલ્પ આપવામાં આવે છે. જેમાં તેણે મુસ્લિમ અથવા અન્ય લઘુમતી એમ બન્નેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો રહે છે. આવી રીતે સરકાર મુસ્લિમ વિદ્યાર્થીઓનું પ્રોફાઇલિંગ અને ડેટાબેઝ તૈયાર કરી રહી હોવાનો અરજદારનો આક્ષેપ છે.

(11:10 am IST)