ગુજરાત
News of Friday, 7th December 2018

કપાસનું ઉત્પાદન નવ વર્ષનાં તળિયે પહોંચશે

રૂપિયો મજબૂત બન્યો હોવાથી રૂનાં નવા નિકાસ વેપારો ઘટયા : રૂના ભાવ સિઝનની ઊંચી સપાટીથી ખાંડીએ રૂ. ૩૫૦૦ ઘટયા

અમદાવાદ તા. ૭ : ગુજરાત સહિતનાં કપાસ ઉત્પાદક રાજયોમાં દુષ્કાળને પગલે દેશમાં રૂ-કપાસનાં ઉત્પાદનમાં ચાલુ વર્ષે ઘટાડો થશે અને કુલ ઉત્પાદન ગત વર્ષની તુલનાએ ૧૨ ટકા ઘટીને નવ વર્ષનાં તળિયે પહોંચવાનો અંદાજ છે.

કપાસની નિકાસ સાથે સંકળાયેલા એક અગ્રણી નિકાસકારે જણાવ્યું હતું કે દેશમાં ચાલુ વર્ષે રૂનું ઉત્પાદન ઘટીને ૩૨૫ લાખ ગાંસડી (૧૭૦ કિલો) થવાનો અંદાજ છે, જે વર્ષ ૨૦૦૯-૧૦ બાદનું સૌથી ઓછું ઉત્પાદન છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રતિ હેકટર ઉત્પાદન એકદમ ઓછું આવ્યું હોવાથી કુલ ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

આ નિકાસકારે વધુમાં કહ્યું કે સામાન્ય રીતે ખેડૂતો કપાસનાં ઊભા છોડમાંથી બેથી ત્રણ વિણી લેતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે ખેડૂતોએ એક વિણી લીધા બાદ હવે બીજી કે ત્રીજી વિણી લેવા માટે ખેડૂતો તૈયાર નથી અને કપાસ કાઢી રહ્યાં છે.

દેશમાં કપાસનાં ઉત્પાદન અંગે સરકારી સંસ્થા કોટન એડ્વાઈઝરી બોર્ડે ચાલુ વર્ષનો અંદાજ ૩૬૧ લાખ ગાંસડી અને કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ ૩૪૮ લાખ ગાંસડીનો અંદાજ મૂકયો છે. જોક આ અંદાજો એક-બે મહિના પહેલાના છે, જયારે હાલની ઊભા પાકની સ્થિતિ પ્રમાણે નિકાસકારે કહે છેકે ઉત્પાદન ઘટીને ૩૨૫ લાખ ગાંસડીએ પહોંચશે, જે નવ વર્ષનું સૌથી ઓછું ઉત્પાદન છે.

દેશમાં રૂનું ઉત્પાદન ઓછું થવાનો અંદાજ હોવા છત્તા નિકાસ વેપારો સિઝનનાં પહેલા મહિનામાં સારા થાય બાદ હવે અટકી ગયાં છે. અમદાવાદનાં એક અગ્રણી બ્રોકરના અંદાજ પ્રમાણે રૂનાં કુલ ૨૨થી ૨૫ લાખ ગાંસડીનાં સૌદા થયા છે અને અત્યાર સુધીમાં ૧૫ લાખ ગાંસડીની નિકાસ થઈ ચૂકી છે. જોકે મોટા ભાગનાં સોદા સપ્ટેમ્બર અંત, ઓકટોબર મહિનામાં જ થયેલા છે. હવે ભારતીય રૂપિયો ૭૪થી ઘટીને ૭૧ની અંદર આવી ગયો હોવાથી રૂનાં નવા નિકાસ વેપારો અટકયાં છે. વળી વૈશ્વિક ભાવ પણ ૮૪ સેન્ટથી ઘટીને ૭૮ સેન્ટ પહોંચી ગયાં છે.

ગુજરાતમાં સારી કવોલિટીનાં રૂનાં ભાવ સિઝનની શરૂઆતમાં એટલે કે ઓકટોબરમાં રૂ.૪૭,૫૦૦ જેવા હતા, જે હાલ ઘટીને રૂ.૪૪,૦૦૦ની નીચી સપાટીએ પહોંચી ગયાં છે. આમ સ્થાનિક ભાવ પણ ઘટ્યાં છે અને રૂપિયો પણ મજબૂત બન્યો છે. બીજી તરફ વૈશ્વિક ભાવ ઘટ્યાં હોવાથી રૂનાં નિકાસ વેપારો હાલ શકય નથી.(૨૧.૪)

(9:59 am IST)