ગુજરાત
News of Friday, 7th December 2018

કરોડોના કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવીએ કર્યું સરેન્ડર :સીઆઇડી ક્રાઇમ દ્વારા ધરપકડ:વાહનો જપ્ત

અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા :ચાર ફ્લેટને સીઝ કરવા કલેક્ટરને લેખિત રજૂઆત

અમદાવાદ: વિનય શાહ એન્ડ કંપની દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈના મામલે ભાર્ગવી શાહે CID ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સરેન્ડર કર્યું છે. વિનય શાહની પત્ની ભાર્ગવી સામેથી હાજર થતા CID ક્રાઈમે તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત વિનય શાહ અને તેની પત્નીની 2 ફોર વ્હીલર અને 2 ટૂ વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યા છે. અન્ય આરોપી દાનસિંહ વાળા અને વિનય શાહના અન્ય સાગરીતોના વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાલડી ખાતે આવેલા તેના 4 ફ્લેટને સીઝ કરવાની કાર્યવાહી માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત મોકલવામાં આવી છે.

  260 કરોડનાં કૌભાંડ મામલે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યા મુજબ વિનય શાહની કંપનીના જુદી જુદી બેન્કોમાં કુલ 7 ખાતા હતા. જે ખાતામાં 10 લાખ 18 હજાર 5 રૂપિયાનું બેલેન્સ છે. તો વિનય શાહની પત્નીના કુલ 6 ખાતા છે જેમાં 8 લાખ,46 હજાર,392 રૂપિયા બેલેન્સ છે. જ્યારે દાનસિંહ વાળા અને અન્ય આરોપીઓના 11 ખાતામાં 29 લાખ, 70 હજાર,213 રૂપિયા છે. જ્યારે વિનય શાહે તેના પુત્ર મોનિલ શાહના ડીમેટ ખાતાઓમાં 1 કરોડ, 27 લાખ, 56 હજાર 736 રૂપિયાનું બેલેન્સ છે.

  ભાર્ગવીની ધરપકડ કરીને CID ક્રાઈમે પૂછપરછ શરૂ કરી છે. અત્યાર સુધી 558 લોકોનાં નિવેદન લેવાયાં છે. હવે તપાસનો ધમધમાટ તેજ થતાં અનેક ખુલાસા સામે આવે તેવી શકયતા છે.

(12:48 am IST)