ગુજરાત
News of Friday, 7th December 2018

વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સુરત મોખરે : ટોપ ટેનમાં રાજકોટનો પણ સમાવેશ

આગ્રા બીજાક્રમે : બેંગલુરુ ત્રીજા સ્થાને : હૈદરાબાદ, નાગપુર ટોપ-ટેનમાં સામેલ

નવી દિલ્હી :સમગ્ર દુનિયામાં હીરાના કારણે જાણીતું સુરત શહેર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા 10 શહેરોની યાદીમાં સ્થાન પામ્યું છે. આ અંગે ઓક્સફર્ડ ઇકોનોમિક્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવનારા બે દાયકામાં સુરતનો વિકાસ સૌથી વધારે થશે. સરેરાશ 9 ટકા જેટલો વિકાસ રહેશે.

સુરત બાદ ઉત્તર પ્રદેશનું આગ્રા શહેર બીજા નંબર પર છે. 2035 સુધીમાં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા 10 શહેરોમાં ભારતના જ શહેરો હશે. આ યાદીમાં બેંગલુરુ ત્રીજા સ્થાન પર છે. ત્યારબાદ હૈદરાબાદ, નાગપુર, ત્રિપુરા, રાજકોટ અને તિરુચિલ્લાપલ્લીનો સમાવેશ થાય છે.

વિશ્વના સૌથી મોટા શહેરોમાં ન્યુ યોર્ક, ટોક્યો અને લંડન તેમનું સ્થાન જાળવી રાખશે. ઉપરાંત ચીનના ગોંગઝુ અને શેન્ઝેન વિશ્વમાં 10 મહત્વના શહેરોમાં સમાવેશ થશે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વની મહત્વની સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સંશોધનોમાં રાજકોટ અને સુરત વિશ્વનાં સૌથી ઝડપી વિકસી રહેલા શહેરોમાં સ્થાન પામે છે.

(9:01 am IST)