ગુજરાત
News of Thursday, 6th December 2018

પેપર લીક : માસ્ટર માઇન્ડ નિલેશને પકડવા તૈયારીઓ

નિલેશ સ્પર્ધાત્મક કોચીંગ કલાસનો માલિક : સુત્રધાર નિલેશ પટેલ ગુજરાતના ઉમેદવારોને દિલ્હી લઇ ગયો હતો, મોબાઇલ સ્વીચ ઓફ કરાવ્યા હતા : અહેવાલ

અમદાવાદ,તા.૬ : પોલીસ લોકરક્ષક દળની ભરતીના પેપર લીક કૌભાંડમાં દિલ્હીની ગેંગ અને તેમને પેપર આપનાર વ્યક્તિની તપાસ કરી રહી છે. જેમાં પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે. જે મુજબ, દક્ષિણ ભારતના પ્રિન્ટિંગ પ્રેસમાં જ કામ કરતી ગુજરાતી વ્યક્તિએ દિલ્હીની ગેંગને આપ્યું હતું. હવે આ સમગ્ર કૌભાંડમાં જે નીલેશ પટેલ નામની વ્યકિત છે તે માસ્ટરમાઇન્ડ હોવાની વાત સામે આવી રહી છે, તેથી પોલીસનું હવે પછીનું ટાર્ગેટ આ નીલેશ હોય તેવું મનાય છે. નીલેશ પટેલ નામની આ વ્યકિત સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસના માલિક હોવાની ચર્ચા અને અટકળોએ પણ જોર પકડયું છે. જો કે, પોલીસે તપાસના ભાગરૂપે નીલેશનું નામ અને તેની ઓળખ હજુ જાહેર કરી નથી કારણ કે, તેને હજુ પકડવાનો બાકી છે. પરંતુ પોલીસે એ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે, નીલેશની ભૂમિકા સમગ્ર કૌભાંડમાં બહુ મહત્વની અને ચાવીરૂપ છે. પોલીસ તપાસમાં બહુ ચોંકાવનારી વાત સામે આવી હતી કે, દક્ષિણ ભારતમાં સ્થિત એક પ્રિન્ટિંગ પ્રેસ માટે કામ કરતી વ્યક્તિ જે દિલ્હીની ગેંગ સાથે સંકળાયેલી છે, તે નિલેશ પટેલ સાથે સંપર્કમાં હતી અને તેણે દિલ્હીની ગેંગને પ્રિન્ટિંગ પ્રેસની વ્યક્તિએ પેપર આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત  તા.૨૯મી નવેમ્બરની રાતે નિલેશે ગાડીમાં દિલ્હી જતા ઉમેદવારોના મોબાઈલ બંધ કરાવી દીધાં હતા અને તેમની પાસે પરીક્ષાના આઇકાર્ડ સિવાય બીજા કોઇ પુરાવા કે ચીજવસ્તુ ના હોય તેનું ચેકીંગ કરી જવા દીધા હતા. પેપર લીક ન થાય તે માટે દિલ્હીની ગેંગે ઉમેદવારોને સાવચેત રાખ્યા હતા. એટલું જ નહી, પેપરના જવાબો સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય વ્યક્તિઓને ન આપવા કહ્યું હતું અને હાથથી જ જવાબો લખીને આપવામાં આવ્યા હતા. પરંતુ તમામ તકેદારી છતાં પેપરના જવાબો સોશ્યલ મીડિયા પર આવી ગયા હતા.

(8:40 pm IST)