ગુજરાત
News of Thursday, 6th December 2018

આણંદ નજીક લાંભવેલમાં ગોડાઉનમાં રાત્રીના સુમારે તસ્કરોને સિક્યુરિટી ગાર્ડે રંગે હાથે ઝડપ્યા

આણંદ:નજીક આવેલા લાંભવેલ ગામે કાર્યરત સંકેત સેલ્સના ગોડાઉનમાં રાત્રીના સુમારે ત્રાટકેલા ત્રણ પૈકી બે તસ્કરોને સિક્યુરિટી ગાર્ડ્સે ઝડપી પાડીને આણંદ રૂરલ પોલીસના હવાલે કર્યા હતા જ્યાં તેઓની સામે ચોરીના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર ગત ૧લી તારીખના રોજ રાત્રીના દશેક વાગ્યાના સુમારે લાંભવેલ સ્થિત સંકેલ સેલ્સના ગોડાઉનમાં ફરજ પર તૈનાત બે સિક્યુરિટીના જવાનો ચક્કર મારી રહ્યા હતા ત્યારે ત્રણેક જેટલા શખ્સો પાછળની દીવાલ કૂદીને અંદર ઘુસ્યા હતા અને ઈલેક્ટ્રીક સામાનની ચોરી કરવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. જેથી સિક્યુરિટી જવાનોએ પડકારીને બેને ઝડપી પાડ્યા હતા જ્યારે એક શખ્સ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા બન્ને શખ્સોને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા હતા. જ્યાં તેઓના નામઠામ પુછતાં તેઓ મોટી ખોડીયાર પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા જયેશભાઈ ત્રિકમભાઈ જાદવ તથા રાજુભાઈ બાબુભાઈ ગણાવા હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે તેઓની વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

સૂત્રોના જણાવ્યાનુસાર થોડા મહિના પહેલા સંકેત સેલ્સના માલિકના બંગલામાં ત્રાટકેલા તસ્કરો રીવોલ્વર સહિતની માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીમાં પણ ગેંગનો હાથ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ઘરી છે.

(5:38 pm IST)