ગુજરાત
News of Thursday, 6th December 2018

સુરતમાં હીરાના કારીગરોને પગારમાં 15 ટકા સુધીનો કાપ મુકવાની વાતચીતથી ખળભળાટ

સુરત:હીરાના મેન્યુફેક્ચરર્સ કારીગરોના પગારમાં ૧૦ થી ૧૫ ટકાનો કાપ મૂકવાની પેરવી કરી રહ્યા હોવાથી ચણભણાટ વધી રહ્યો છે. શેઠિયાઓને દિવાળી ટાણે રૂપિયા ૬૦ થી ૭૦ લાખની મોંઘીદાટ ગાડીઓ ખરીદવામાં પૈસા ઓછા નથી પડતા. પણ, કારીગરોને મજૂરી ચુકવવાની વાત આવે ત્યારે પૈસા ઓછા પડે છે એવો ગણગણાટ પણ છે. રત્નકલાકાર સંઘને મજૂરીના દર ઘટાડાની જુદી જુદી વીસેક ફરિયાદો અત્યાર સુધી મળી છે.

હીરાના એકમો હજુ પૂર્વવત થયા નથી ત્યાં મજુરીના દરમાં કાપકૂપ કરાયાની ફરિયાદ અલગ-અલગ રીતે ઉઠી રહી છે. કારખાનાઓ જેમ-જેમ શરૂ થઈ રહ્યા છે તેમ તેમ  બીજી નાની મોટી ફેક્ટરીઓમાંથી પણ બબ્બે પાંચ-પાંચ કે દસ કારીગરોને છુટા કરાયાની ફરિયાદ ધીરે ધીરે બહાર આવી રહી છે, એમ  જયસુખ ગજેરાએ  જણાવ્યું હતું.

દિવાળી પહેલા નાના મોટા એકમો પાસે કામકાજ ઘણું ઓછું હતું. એથી મજૂરી પણ કારીગરોને ભાગે ઓછી આવી હતી. દિવાળી પછી હવે હીરાના એકામો ધીમે-ધીમે શરૂ થઇ રહ્યા છે, પણ પૂરતું કામ નહીં હોવાને કારણે સમસ્યાઓ ઉભી થઈ રહી છે. સામાન્ય રીતે દિવાળી પછી મજુરીના દરો વધી જતા હોય છે. કેમકે, દિવાળી પછી શરૂ થતા એકમોને કારીગરોની સમસ્યા નડતી હોવાથી, મજુરીના વધુ દરો ચૂકવીને કારીગરોને ખેંચી જવાની પ્રવૃત્તિ થતી હોય છે. પણ વેળાં  સ્થિતિ કંઇક જુદી છે.

(5:32 pm IST)