ગુજરાત
News of Thursday, 6th December 2018

ખાડીના તેલની કસર થાળીના તેલથી પૂરી કરીએ

અમદાવાદમાં યોજાયેલા સ્વસ્થ ભારત મેળામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉપયોગમાં લેવાઇ ચૂકેલા ખાદ્ય તેલમાંથી ઇંધણ બનાવવામાં મદદરૂપ થાય એવી એપ લોન્ચ કરી

અમદાવાદ તા. ૬: ગુજરાતમાં ગઇ કાલે અમદાવાદના કાંકરિયા ખાતે યોજાયેલા સ્વસ્થ ભારત મેળામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વપરાયેલા રાંધણતેલ માટેની એપ્લિકેશન RUCO (રીયુઝ ઓફ કુકિંગ ઓઇલ) લોન્ચ કરીને કહ્યું હતું કે ''ખાડી અને થાળીના તેલ વચ્ચે વિચાર કરવાની આવશ્યકતા છે. ખાડીનું તેલ ઓછું ઉપયોગ કરીએ અને થાળીનું તેલ વાપરીએ''

કાંકરિયા ખાતે યોજાયેલા સ્વસ્થ ભારત મેળામાં વિજય રૂપાણીએ રીયુઝ્ડ કુકિંગ ખાદ્ય તેલમાંથી સસ્તું બાયોડીઝલ બનાવી ક્રુડ ઓઇલ પરનું ભારણ ઘટાડી ખાડીના તેલની કસર થાળીના તેલથી પૂરી કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'અમે રીયુઝ્ડ કુકિંગ ખાદ્ય તેલનું બાયોડીઝલમાં પરિવર્તન કરવા માંગીએ છીએ એટલે RUCO લોન્ચ કરી છે. રીયુઝ્ડ કુકિંગ તેલ વેપારીઓ પાસેથી એકઠું કરીને એમાંથી બાયો-ડીઝલ બનાવવા માટે RUCO સોફટવેર બાયોડીઝલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યો છે. એક મોબાઇલ વેન દ્વારા બળેલા રીયુઝ્ડ કુકિંગ તેલને એકઠું કરવામાં આવશે.'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ગાંધીજીના વિચારોને ર૦રર સુધીમાં પૂરા કરવા સ્વસ્થ ભારતનું નિર્માણ થાય, લોકો યોગ્ય ખોરાક ખાય એ માટે યાત્રા કાઢી છે એ ગઇ કાલે અમદાવાદ આવી પહોંચી હતી. RUCO ની એપ્લિકેશન લોન્ચ કરવાના પ્રથમ દિવસે સારો પ્રતિસાદ મળ્યો હતો. આ એપ્લિકેશન દ્વારા ૪૭,૧૪૬ લીટર વપરાયેલા રાંધણતેલની રિવેસ્ટ મળી છે. (૭.ર૦)

(4:15 pm IST)