ગુજરાત
News of Thursday, 6th December 2018

રાજ્યમાં 3 હજાર ખેડૂતોએ અડદ માટે અને માત્ર 70 ખેડૂતોએ મગની ખરીદી માટે નોંધણી કરાવી

કુલ 33 જિલ્લા પૈકી માત્ર 4 જિલ્લાઓના ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું

અમદાવાદ :રાજ્ય સરકાર દ્વારા મગ અને અડદની ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઇ છે. સરકાર દ્વારા છેલ્લા 5 દિવસથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અંદાજે 3 હજાર ખેડૂતોએ અડદની ખરીદી માટે નોંધણી કરાવી છે. પરંતુ આ 5 દિવસમાં ફક્ત 70 ખેડૂતોએ જ મગની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યા છે.

રાજ્યના કુલ 33 જિલ્લા પૈકી માત્ર 4 જિલ્લાઓના ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે કે 29 જિલ્લામાંથી એક પણ ખેડૂતે રજિસ્ટ્રેશન કરવામાં રસ દાખવ્યો નથી. અત્યાર સુધીમાં ગાંધીનગર. સાબરકાંઠા, કચ્છ અને જૂનાગઢમાં જ રજિસ્ટ્રેશનની કામગીરી થઇ છે. જે અંતર્ગત ગાંધીનગરમાં 18, સાબરકાંઠામાં 1, કચ્છમાં 3 અને જૂનાગઢમાં 48 એમ કુલ મળીને 70 ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

(10:41 pm IST)