ગુજરાત
News of Thursday, 7th December 2017

પ્રચાર બંધ, રામકથા ચાલુ

સુરત પર તોળાઈ રહેલા ઓખીના ભય વચ્ચે ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં એક પણ નેતાની સભા ન થઈ, પણ મોરારીબાપુની રામકથા ચાલુ રહી

સુરત, તા. ૭ :. ઓખી સાઈકલોનનો ભય એ સ્તર પર પ્રસરી ચૂકયો હતો કે દક્ષિણ ગુજરાત અને એમા પણ ખાસ કરીને સુરતમાં ઘરની બહાર નીકળવા પણ કોઈ રાજી નહોતું. જો કે ગુજરાતના સદનસીબે ઓખી સાઈકલોન પરમ દિવસે જ નબળી પડી ગયું હતુ અને કાંઠા સુધી પહોંચે એ પહેલા જ મોડી રાતે એ દરિયામાં જ વિખેરાઈ ગયું અને આફત ટળી ગઈ. આ આફતના ભય વચ્ચે ગઈ કાલે સુરત અને દક્ષિણ ગુજરાતના અન્ય શહેરોમાં તમામ પોલિટિકલ પાર્ટીઓના નેતાઓની જાહેરસભા રદ કરવામાં આવી હતી, પણ મોરારીબાપુએ રામકથા ચાલુ રાખી હતી, જે ગઈકાલે ક્ષેમકુશળ રીતે રાબેતા મુજબના સમય સુધી ચાલી હતી. કથાના પ્રારંભમાં જ મોરારીબાપુએ કહ્યું હતુ કે 'કથા અટકી નહીં એ રામકૃપા છે, બાકી કથા અટકાવવી પડે એવી જ સ્થિતિ હતી, પણ રામ બેઠો હોય ન્યાં મારે-તમારે ચિંતા કરવાની કયાં જરૂર છે.'

મોરારીબાપુની રામકથાના પ્રારંભથી જ શ્રોતાઓમાં કોઈ ઓટ નહોતી દેખાય. ઉલ્ટુ ગઈકાલે સુરતમાં સ્કૂલ-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી હોવાથી શ્રોતાઓમાં સંખ્યા વધારે દેખાતી હતી.

(8:47 pm IST)