ગુજરાત
News of Saturday, 7th November 2020

RAFના રિટા.મેજરને પીઆઇ દ્વારા ધમકી અને ટોર્ચર મામલે હાઇકોર્ટે ગૃહસચિવ - પોલીસને નોટીસ ફટકારી

હાઇકોર્ટે સંબંધિત પક્ષકારો પાસે 18 ડિસેમ્બર સુધી જવાબ માગ્યો

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે RAFના એક રિટા. મેજરને પીઆઇ  દ્વારા જમીન મામલે ધમકી અને ટોર્ચર કરાતા હોવાના કેસમાં રાજ્ય ગૃહસચિવ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સહિતના પક્ષકારોને જવાબ આપવા નોટિસ આપી છે.

 આ અંગેની વિગત મુજબ વસ્ત્રાલમાં રહેતા જશવંત સિંહ રામપ્રસાદ યાદવ નામના RAFના રિટા. મેજરએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં રામોલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કેએસ દવે સામે વારંવાર ધમકી આપવાનો આરોપ મૂક્યો છે. સાથે આ મામલે રાજ્ય પોલીસ વિભાગ અને રાજ્ય માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે.

જશવંત સિંહ યાદવે પોતાના વકીલ કૈલાશ વર્મા વતી 27 ઓક્ટોબર 2020ના રોજ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે ડો. જસ્ટીસ અશોકકુમાર સી. જોશીની કોર્ટમાં સ્વીકારાઇ હતી.

 

વીડિયો કોન્ફ્રન્સિંગની સુનાવણી બાદ કોર્ટે સંબંધિત પક્ષકારો રાજ્ય ગૃહ સચિવ, DGP, પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર અને ગુજરાત પોલીસ ફરિયાદ ઓથોરિટીને 18 ડિસેમ્બર સુધી જવાબ આપવા નોટિસ પાઠવી છે.

જશવંત સિંહ યાદવએ અરજીમાં જણાવ્યું છે કે તેઓ રેપિડ એક્શન ફોર્સના રિટાયર્ડ જવાન છે. તેમના ભાઇ પણ ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા છે. તેઓ બંને નિવૃત્તિ બાદ ક્ન્સ્ટ્રક્શનના અને રિયલ એસ્ટેટ બિઝનેસ કરે છે.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી રામોલ પોલીસ સ્ટેશનના PI કેએસ દવે સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરી તેમને બોલાવીને ધમકી આપે છે અને ત્રાસ આપે છે. આ અંગે તેમણે સેક્ટર-2ના સંયુક્ત પોલીસ કમિશનર સહિત જવાબદાર સત્તાધીશો સમક્ષ રજૂઆતો કરી છે.

જશવંત સિંહ એ વધુમાં જણાવ્યું કે પીઆઇ દવે તેમને ફોન કરી પોલીસ સ્ટેશન બોલાવે છે. જ્યાં વસ્ત્રાલની સર્વે નંબર 601/1ની જમીન અંગેના દસ્તાવેજ અને 40 લાખ રુપિયાના ઉઘરાણી કરે છે. એટલું જ નહીં પીઆઇ દવે સુરત, રોજકોટ મોકલી દેવાની અને ખોટા કેસમાં પાસામાં ઘાલી દેવાની ધમકી આપે છે.

જશવંત સિંહે કહ્યું કે આ જમીન તેમણે મૂળ માલિક પાસેથી 30 લાખ રુપિયામાં ખરીદી હતી. જેનો બાનાખત 26 સપ્ટેમ્બર 2016ના રોજ કરાવ્યો હતો અને તેની સબ રજિસ્ટ્રારની ઓફિસે નોંધણી કરાવી હતી

(9:50 pm IST)