ગુજરાત
News of Friday, 7th October 2022

ડીસીએમ કોલેજ વિરમગામ ખાતે એનટીસીપી, નશાબંધી અંતર્ગત ડ્રોઈંગ કોમ્પીટીશન અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ

વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી : ડીસીએમ કોલેજને ટોબેકો ફ્રી બનાવવા મુવમેન્ટ ચલાવવાની કોલેજના પ્રિન્સિપાલ દ્વારા જાહેરાત કરાઇ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ (એનટીસીપી) અને નશાબંધી અને આબકારી વિભાગ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિરમગામ શહેરના ડીસીએમ કોલેજ ખાતે ડ્રોઈંગ કોમ્પીટીશન અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ચિત્રો દોરીને અને વકૃત્વ સ્પર્ધામાં પોતાના મૌલિક વિચારો રજુ કરીને નશાબંધીનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા રોગચાળાની નિયંત્રણ અધિકારી ડો ચિંતન દેસાઈ, અધિક્ષક નશાબંધી અને આબકારી અમદાવાદ આર એસ વસાવા, નશાબંધી નિયોજક ગણપત પંડ્યા, નશાબંધી ઇન્સ્પેક્ટર શૈલેષ ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર ડો વિરલ વાઘેલા, ડીસીએમ કોલેજના પ્રિન્સિપાલ નીતિન પેથાણી સહિત આરોગ્ય અને નશાબંધી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ ત્રણ નંબર પર આવેલા વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડીસીએમ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા કોલેજ કેમ્પસને ટોબેકો ફ્રી બનાવવા માટે મુવમેન્ટ ચલાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. નશાબંધી વિભાગ દ્વારા વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે તમાકુનું સિગારેટ, બીડી, ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વિશ્વમાં દર છ સેકન્ડે ૧ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે. વિશ્વમાં દર મીનીટે ૧૦ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના ૧૧ મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. આશરે ૧૮ ટકા હાયરફિલ્ડના વિદ્યાર્થીઓ સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે.

(11:10 pm IST)