ગુજરાત
News of Friday, 7th October 2022

ચૂંટણીની જાહેરાત ૧ થી ૫ નવેમ્બર વચ્ચે : કેન્દ્રીય મંત્રીઓના વણથંભ્યા પ્રવાસો

ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના પક્ષો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત : ઉમેદવાર પસંદગી અને ગૌરવયાત્રા સહિતના કાર્યક્રમો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૭ : આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો રાજકીય ગરમાવો શરૃ થઇ ચૂકયો છે. આ ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને વિજયી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

ખૂબ જ અગત્યની બાબત એ છે કે ચૂંટણીની જાહેરાત નવેમ્બર-૧થી ૫ તારીખ દરમિયાન થશે તેમ જાણવા મળે છે.

ભાજપ દ્વારા આજથી કેન્દ્રીય પ્રધાનોની ટીમને ગુજરાતમાં ઉતારવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપ દ્વારા અલગ-અલગ સ્થળોએથી ગૌરવયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયેલ છે.

કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના તમામ તાલુકા કક્ષાએ જશે અને ગુજરાતના વિકાસની વાતો દહોરાવી ભાજપને સત્તા અપાવવા પ્રયત્નો કરશે.

ગુજરાત ભાજપ એકમ દ્વારા ચૂંટણી પ્રચારની શરૃઆત કરી દેવામાં આવી છે.

બીજી તરફ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી સતત ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૃઆત કરી ચુકયા છે. રાજ્યના જિલ્લા અને તાલુકા કક્ષાએ લોકાર્પણ કામગીરી પણ પૂરજોશમાં શરૃ કરી દીધી છે.

કેન્દ્રના ૧૦થી વધારે મંત્રીઓ આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરી ચૂંટણી પ્રચાર કરશે. આ મંત્રીઓ આજે દક્ષિણ ગુજરાતની તાપી, વ્યારા, નિઝર વિસ્તારોમાં પ્રવાસ કરનાર છે.

કેન્દ્રીય મંત્રી બી.એલ.વર્મા આજે અમદાવાદના વિવિધ ક્ષેત્રમાં પ્રવાસ કરનાર છે. આમ કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ધીરેધીરે ગુજરાતમાં ધામા નાંખી રહ્યા છે. હવે એ જોવાનું રહ્યું કે, આ ટીમને કેવો પ્રજા તરફથી સરકાર મળશે.

(2:09 pm IST)