ગુજરાત
News of Monday, 7th October 2019

અશોક ગેહલોતનું નિવેદન ઝેર ઓકનાર : જીતુ વાઘાણી

અશોક ગેહલોત માફી માંગે તેવી માંગણી

અમદાવાદ,તા.૭ : આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે અનેક ફરજ બજાવી ચૂકેલ અશોક ગહેલોતના ગુજરાતમાં ઘેર ઘેર દારૂ પીવાય છે વાહિયાત અને બાલીશ નિવેદન સામે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સાડા છ કરોડ ગુજરાતીઓને દારૂડિયા કહેવા એ પૂજ્ય મહાત્મા ગાંધીજી તેમજ સમગ્ર ગુજરાતનું ઘોર અપમાન છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની માનસિકતા હંમેશા ગુજરાત વિરોધી જ રહી છે, કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓ માટે નકારાત્મક અને ઝેર ઓકનારા નિવેદનો જ આપી રહી છે. ૧૯૯૫ થી ગુજરાતની જનતા ભાજપાને આશીર્વાદ આપી રહી છે તે કોંગ્રેસથી સહન થતું નથી. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને ભંગાર કહેનારી આ કોંગ્રેસ છે. એટલું જ નહી પરંતુ દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે પણ મોતના સોદાગર જેવા નકારાત્મક અને નિમ્ન સ્તરના શબ્દપ્રયોગો ભૂતકાળમાં પણ કોંગ્રેસ કરી ચૂકી છે. હું અશોક ગેહલોતના ગુજરાતીઓને દારૂડિયા કહેવાના નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. સાડા ૬ કરોડ ગુજરાતીઓ તેમની અસ્મિતા પર કરાયેલા આ નિમ્ન સ્તરના પ્રહારને ક્યારેય સાંખી નહીં લે. ગેહલોત ગુજરાતની જનતાની માફી માંગે તેમ વાઘાણીએ અંતમાં જણાવ્યુ હતુ.

(8:37 pm IST)