ગુજરાત
News of Monday, 7th October 2019

મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતની જનતાનું અપમાન કર્યું : મુખ્યમંત્રી વિજય રૂપાણી

દારૂના મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું : મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવેદન વિરૂદ્ધ ભાજપના નેતાઓ દ્વારા આકરા પ્રહારો : જિગ્નેશ મેવાણી દ્વારા અશોક ગેહલોતના નિવેદનની ટીકા

અમદાવાદ, તા.૭ : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરે ઘરે દારૂનું વેચાણ થતું હોવાનું વિવાદીત નિવેદન આપતાં ગુજરાતના રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા. ખાસ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભાજપ પ્રવકતા ભરત પંડયા સહિતના ભાજપના નેતાઓ અને આગેવાનોએ ગેહલોતે ગાંધીના ગુજરાતને બદનામ કર્યું હોઇ ગુજરાતની જનતાના અપમાન બદલ અશોક ગેહલોતને ગુજરાતની જનતાની માફી માગવાની માંગણી કરી હતી, તો બીજીબાજુ, ગુજરાત કોંગ્રેસના નેતાઓ ગેહલોતના સમર્થનમાં ઉતરી પડયા હતા. ત્યારે દારૂબંધી પર અશોક ગેહલોતના નિવેદનને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વખોડ્યું હતું અને જણાવ્યું હતું કે, દારૂ પર તમામ ગુજરાતીઓ જવાબદાર નથી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દારૂબંધી મામલે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાતો હોવાનું અને ઘરે ઘરે દારૂ પીવાતો હોવાનું નિવેદન આપ્યું હતું. જેના વળતાં જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આકરા પ્રહારો કર્યા હતા. રૂપાણીએ જણાવ્યું હતું કે, ચૂંટણીઓમાં હારના કારણે ગેહલોત આ પ્રકારના નિવેદન કરી રહ્યા છે.

                  કોંગ્રેસને સરદાર કે ગાંધીજી ગમતા નથી. ગુજરાતીઓને દારૂડિયા કહ્યા છે. જેથી ગુજરાત કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. આ પ્રકારનું નિવેદન ગુજરાતીઓનું અને ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે અને તેથી કોંગ્રેસે આ મામલે જાહેરમાં ગુજરાતની જનતાની માફી માંગવી જોઇએ. દરમ્યાન અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાતો હોવાની વાતને ખોટી ગણાવી છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે દારૂ પર તમામ ગુજરાતીઓ જવાબદાર નથી. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે મને વિધાનસભમાં ૫ાંચ મિનિટ આપો હું પોલ ખોલીશ. સાથે જ તેમણે કહ્યું કે મારા નિવેદન પર સરકાર મારી સામે કેસ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી પોતાના ઘરની ચિંતા કરવાની જગ્યાએ ગુજરાતની ચિંતા કરવા જતા ફસાઈ ગયા છે. તેમના નિવેદનની ભારે ટીકાઓ થઈ રહી છે. તેવામાં અશોક ગેહલોતના બચાવમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિના સ્ટેટમેન્ટને રાજ્ય સાથે જોડવાની જરૂર નથી. ગુજરાતમાં ઠેર ઠેર દારૂ વેચાય છે. અશોક ગેહલોતે ચિંતા કરી છે ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ? કોંગ્રેસી ધારાસભ્ય લલિત કગથરાએ ગેહલોતનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે સાચી વાત કરે તો દેશદ્રોહી ન ગણવા જોઈએ. અશોક ગેહલોતને માફી માગવાની કોઈ જ જરૂર નથી. રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતીઓને દારૂડિયા કહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ વિરોધ કરવાના બદલે ગેહલોતના બોલ બોલી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર પસ્તાળ પાડી આકરા પ્રહારો કર્યા હતા અને માફી માંગવાની જોરદાર માંગ ઉઠાવી હતી.

(8:35 pm IST)