ગુજરાત
News of Monday, 7th October 2019

ડ્રગ્સ કેસ : ધારાસભ્યના પુત્રને કિશોર રાઠોડને દસ વર્ષની જેલ

૨૭૦ કરોડના ડ્રગ્સ કેસમાં ગ્રામ્ય કોર્ટેનો ચુકાદો : ડ્રગ્સ પ્રકરણના અન્ય પાંચ અપરાધીઓને પણ અદાલતે દસ-દસ વર્ષની સજા અને બબ્બે લાખ રૂપિયા દંડ ફટકાર્યો

અમદાવાદ, તા.૭ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે ખળભળાટ મચાવનારા ડ્રગ્સ કેસમાં સમી-હારિજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો પુત્ર કિશોરસિંહ રાઠોડ દોષિત ઠરતા મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેને દસ વર્ષની જેલની સજા ફટકારતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ છે. સાથે જ આ કેસમાં દોષિત અન્ય પાંચ આરોપીઓને પણ કોર્ટે દસ-દસ વર્ષની સજા અને બબ્બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેમાં આરોપી કિશોરસિંહ ભાવસિંહ રાઠોડ ઉપરાંત, ભરતસિંહ રણજીતસિંહ કાઠીયા, પૂનિત રમેશ શ્રિન્ગી, જય ઉર્ફ જય મૂલજી મુખી તથા મનોજ તેરાજ જૈનને અમદાવાદ ગ્રામ્યના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજે ૧૦-૧૦ વર્ષની કેદ અને રૂ. ૨ લાખનો દંડ ફટકાર્યો હતો. મે-૨૦૧૬માં ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરતાં ૧૩૩૯.૨૫૦ કિલો એફેડ્રીન માદક પદાર્થનો જથ્થો એડી સ્ટીલ ફેક્ટરી પાસેની કેમિકલ શેડમાં રેડ કરતા મળ્યો હતો. જેમાં આરોપીઓને પકડીને એનડીપીએસનો ગુનો દાખલ કરાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન કરીને ૨૦૧૬માં એપ્રિલ મહિના અંતમાં વહેલાલ જીઆઈડીસીમાંથી ૨૬૮ કરોડનું એફેડ્રીન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. કેસની તપાસમાં કિશોર ભાવસિંહ રાઠોડ ડ્રગ્સને યુરોપીય દેશોના ડ્રગમાફિયાઓ સુધી પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું.

              જ્યારે યુરોપીય દેશોના ડ્રગમાફિયાઓ અને કિશોર રાઠોડ વચ્ચેની મિટિંગ વિકી ગોસ્વામી ફિક્સ કરાવતો હોવાનું પણ સામે આવ્યું હતું. જો કે, આ કૌભાંડ સામે આવતા કિશોર રાઠોડ અને તેનો પાર્ટનર જય મુખી બંને અંડરગ્રાઉન્ડ થતાં મહિનાઓ બાદ પકડાયા હતા. અમદાવાદના છેવાડે વહેલાલ જીઆઇડીસીમાંથી ગુજરાત એટીએસ અને ક્રાઇમબ્રાંચના સંયુક્ત ઓપરેશનમાં ૨૬૮ કરોડનું એફેડ્રીન ઝડપાયું હતું. આ કેસની તપાસમાં ગુજરાતમાં વિવિધ પક્ષોમાં રહી ચૂકેલા નેતા ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડનું નામ ખુલ્યું હતું. ઊંચા સંપર્કો ધરાવતો કિશોરસિંહ ૧૦ મહિના સુધી ફરાર રહ્યો હતો. ૨૦૧૭માં ગુજરાત એટીએસ દ્વારા રાજસ્થાન-મધ્યપ્રદેશ બોર્ડર પરથી કિશોરની કડી મળતાં ૧૫ દિવસથી વોચમાં રહેલી એટીએસની ટીમે જાન્યુઆરી-૨૦૧૭ના અંતમાં કિશોરસિંહની ધરપકડ કરી હતી. એટીએસની તપાસમાં ફરાર કિશોરસિંહ અંડરવર્લ્ડના પ્રોટક્શનમાં હોવાનો ખુલાસો થયો હતો. ઉપરાંત તે એક મહિનો ચંબલની ખાડીમાં પણ છૂપાયો હોવાનું સામે આવ્યું હતું. ઝાક-વહેલાલ રોડ પર ફેક્ટરીમાંથી ઝડપાયેલું રૂ.૨૬૮ કરોડનું એફેડ્રીન ડ્રગ્સને ક્લરાઈઝેશન કરીને પ્યોર વ્હાઈટ પાઉડર બનાવવાની જવાબદારી આરોપી નરેન્દ્ર કાચાએ ઉપાડી હતી.

             ડ્રગ્સ માફિયાઓએ એકથી વધુ કેમીકલ એક્સપર્ટ પાસે એફેડ્રીનમાંથી મેથાફેટામાઈન તૈયાર કરવાનું કામગીરી ડ્રગ્સ માફિયાઓએ સોંપી હતી. જેમાં નરેન્દ્રનું સેમ્પલ પાસ કરીને તેને કામ સોંપ્યું હતું. નરેન્દ્ર દ્વારા તૈયાર થયેલા મેથાફેટામાઈનનો જથ્થો પોલેન્ડ પહોંચ્યા બાદ હવાલા મારફતે ડ્રગ્સ માફિયાઓ રૂપિયા મોકલવા ડીલ થઈ હતી. પાર્ટી ડ્રગ્સ અને મેન્ડ્રક્સના નામે વેચાતા ડ્રગ્સની ડીલમાં હજારો કરોડના કારોબારમાં કિશોરસિંહ રાઠોડનું નામ ખુલ્યું હતું. શેરડી અને કેટલી વસ્તુઓનુ મિક્ષ કરીને બનતા રો મટિરિયલને એફેડ્રીન કહે છે, જે મેન્ડ્રેક્સ બનાવવા માટે ઉપયોગી છે, ડ્રગ્સનો આ જથ્થો વહેલાલ જીઆઇડીસીમાંથી મળી આવતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ એફેડ્રીનનો જથ્થો મેથાફેટામાઇન ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતો હતો.  આ કેસમાં આરોપીઓ વિરૂદ્ધ કુલ ત્રણ ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં ૪૬ જેટલા સાક્ષીઓના નિવેદનો અને ૪૮થી વધુ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઇ મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કિશોરસિંહ રાઠોડ સહિતના તમામ આરોપીઓને દસ-દસ વર્ષની આકરી સજા ફટકારતો ચુકાદો સંભળાવ્યો હતો.

(8:32 pm IST)