ગુજરાત
News of Monday, 7th October 2019

મહેસાણા-અમદાવાદ નજીક પીકઅપ ડાલા-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: એક વ્યક્તિનું ઘટનાસ્થળેજ મોત: 12 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહેસાણા: અમદાવાદ રોડ ઉપર આવેલા નંદાસણ નજીક વહેલી સવારે પીકઅપ ડાલુ અને ઈકો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ ઉપર કરૃણ મોત નીપજ્યું હતું. જ્યારે ઈકોમાં બેઠેલા અન્ય 12 જણાને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને મહેસાણા સિવિલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. અંગે નંદાસણ પોલીસે ગુનો નોંધ વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદથી બનાસકાઠાંના થરા ગામે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા એક પરિવારને મહેસાણા-અમદાવાદ રોડ પર નંદાસણ નજીક અકસ્માત નડયો હતો. તેની પ્રાપ્ત વિગત પ્રમાણે બહેરામપુરામાં રહેતા મૂળ થરાના વતની વિજય કેશવભાઈ પરમારના સગા સંબંધીઓ રવિવારના રોજ વહેલી સવારે અમદાવાદથી ઈકો ગાડીમાં બેસીને થરા જવા માટે રવાના થયા હતા. માર્ગમાં સાતેક વાગ્યાના સુમારે નંદાસણ નજીક ઊંઝા તરફથી આવી રહેલ એક પીકઅપ ડાલાના ચાલકે એકાએક સ્ટેરીંગ પરથી પોતાના કાબૂ ગુમાવ્યો હતો. જેથી પીકઅપ ડાલુ રોડ વચ્ચેના ડીવાઈડરને કુદાવીને અમદાવાદ તરફથી આવી રહેલ ઈકો ગાડીને ધડાકાભેર અથડાઈ હતી. જેના લીધે ઈકોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે તેમાં બેઠેલા મુસાફરો પૈકી નરેશ ડાહ્યાભાઈ પરમારને ગંભીર ઈજાઓ થતાં તેઓનું કરૃણ મોત નિપજ્યું હતું

(6:01 pm IST)