ગુજરાત
News of Monday, 7th October 2019

ગાંધીનગર નજીક ઇન્દ્રોડા પ્રકૃતિ ઉધાનમાંથી ચંદનના ઝાડની ચોરી થતા અરેરાટી

ગાંધીનગર: શહેરના પાદરે આવેલા ગીર ફાઉન્ડેશન સંચાલીત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં અગાઉ સાપ અને વિદેશી પક્ષીઓની ચોરી થઇ ચુકી છે ત્યારે હવે વન આરક્ષીત વિસ્તારમાંથી ચંદનના ઝાડની ચોરી થઇ હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. ૨૨ વર્ષ જુનું એક વૃક્ષ ચંદનચોર કાપીને લઇ ગયા છે તો બીજા ચંદનના વૃક્ષો કાપવાનો પણ નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે ચંદન ચોરી બાબતે પોલીસ ફરિયાદ નહીં કરીને ફાઉન્ડેશન દ્વારા ક્યાંકને ક્યાંક ભીનું સંકેલવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યા છે

રાજ્યના મુખ્યમંત્રી હોદ્દાની રૂહે જે સંસ્થાના વડા છે તે ગીર ફાઉન્ડેશન સંચાલીત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન હાલ રામભરોસે હોય તેમ લાગી રહ્યું છે અગાઉ અહીંથી સાપ,અલભ્ય વિદેશી પક્ષીઓની પાંજરામાંથી ચોરી થવાના બનાવો બન્યા હતા જે પછી અહીં સીસીટીવી કેમેરા લગાવવા ઉપરાંત વધારાના સિક્યોરીટી ગાર્ડ તહેનાત કરીને પાર્કને કિલ્લેબંધીમાં કેદ કરી દિધો હોવાનો દાવો કરવામાં આવતો હતો તેમ છતા પાર્કમાંથી ચંદનના વૃક્ષની ચોરી થઇ હોવાનું સામે આવી રહ્યું છે.

(6:01 pm IST)