ગુજરાત
News of Monday, 7th October 2019

અશોક ગેહલોતના નિવેદનથી ગુજરાતના ઘર-ઘરનું અપમાન

નિવેદનને આઘાતજનક ગણાવી ઝાટકતા ભરત પંડ્યા

રાજકોટ, તા. ૭ :  કોંગ્રેસના શ્રી અશોક ગેહલોતના નિવેદન સામે ભાજપનાં પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના અશોક ગેહલોતનું નિવેદન ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે. તે ગુજરાતનાં દરેક પરિવાર માટે આઘાતજનક અને અપમાનજનક છે. તેમણે ઘર શબ્દ વાપરીને ગુજરાતની સમગ્ર યુવા પેઢી મહિલા શકિત અને વડીલોનું હાડોહાડ અપમાન કર્યુ છે. કોંગ્રેસને હમેશા ગુજરાતની પ્રગતિ, ગુજરાતના કલ્ચર અને ગુજરાતનાં ગૌરવ નેતૃત્વની હમેશા ઇર્ષ્યા થતી હોય છે.

કોંગ્રેસના બે જ કામ છે કે ગુજરાતહિતને નુકશાન કરવું અને ગુજરાતને બદનામ કરવાનો સતત પ્રયાસ કરવો નર્મદા વિરોધી-પાણી વિરોધી કોંગ્રેસ દારૂબંધીની તરફેણ કરીને ગુજરાતની જનતાને દારૂડીયા કહીને અપમાન કરે છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેમ ચુપ છે ? કોંગ્રેસનાં નેતાઓએ અને અશોક ગેહલોતે ગુજરાતની જનતાની માફી માંગવી જોઇએ તેમ ભરત પંડયાએ જણાવ્યું હતું.

(8:50 pm IST)