ગુજરાત
News of Monday, 7th October 2019

ચૂંટણી પંચ લાલઘુમઃ રાજ્યમાં મતદાર ચકાસણી કાર્યક્રમ માત્ર ૭ ટકા

૧૩ જીલ્લા તો સાવ નબળાઃ કેટલાક વિધાનસભા વિભાગમાં માત્ર ૧ ટકો કામગીરીઃ વેરીફીકેશન હવે ૧૫ ઓકટોબર સુધી : રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ દરેક કલેકટરનો ઉધડો લીધોઃ જો ૧૫ ઓકટોબર પહેલા સરખુ નહી કરાય તો અધિકારીઓ જવાબદાર : થયેલ સારી કામગીરી અને નબળી કામગીરી અંગે તથા SVEEPની પ્રવૃતિઓ સાથે ૭ ઓકટો. સુધીમાં રીપોર્ટ આપવા તાકીદઃ નામજોગ અહેવાલ મંગાવતા સનસનાટી : તાજેતરમાં અમદાવાદ આવેલા ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર પણ નારાજ થયા'તા

રાજકોટ, તા. ૭ :. ગત ૧લી સપ્ટેમ્બરથી ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં મતદાર વેરીફીકેશન કાર્યક્રમ શરૂ થયો છે. આજે એક મહિનો અને ૭ દિ' થયા અને તા. ૪ ઓકટોબરના લેટેસ્ટ રીપોર્ટ મુજબ રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર ચકાસણી કાર્યક્રમ સાવ નબળો હોય, રાજ્યભરમાં માત્ર ૭ ટકા જ કામગીરી થઈ હોય, ચૂંટણી પંચ લાલઘુમ બન્યુ છે અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો.એસ. મુરલીક્રિષ્ણાએ રાજકોટ સહિત દરેક કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારીઓને એક તાકિદનો પત્ર પાઠવી બરોબર ઉધડો લીધો છે.

એવી પણ ગંભીર ટકોર કરી છે કે તા. ૪ ઓકટોબરની સ્થિતિએ રાજ્યમાં માત્ર ૭.૧૫ ટકા કામગીરી થઈ છે તેમજ રાજ્યના કુલ ૧૩ જેટલા જીલ્લાઓમાં રાજ્યની સરેરાશ કામગીરી જે ૭ ટકા છે તેનાથી પણ ઓછી છે. રાજકોટ જીલ્લો પણ તેમા આવી જાય છે. રાજકોટ જીલ્લામાં માંડ ૩ થી ૩ાા ટકા કામગીરી થઈ છે. આ ઉપરાંત જુદા જુદા મતદાર વિભાગોની કામગીરીમાં પણ મોટો તફાવત હોવાનું મુખ્ય ચૂંટણી અધિકારીએ ઉમેર્યુ છે તથા કેટલાક વિધાનસભા મતદાર વિભાગોમાં તો હજુ સુધી કુલ કામગીરીની ૧ ટકા જેટલી પણ કામગીરી થયેલ નથી.

પત્રમાં ઉમેરાયું છે કે, આ કાર્યક્રમ અને તેમાં પ્રગતિ અંગે અત્રેથી વખતોવખત લેખિત સુચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત, વખતો વખત વિડીયો કોન્ફરન્સ મારફતે અત્રેથી સમીક્ષા કરી જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી છે. તા.૨૮-૯-૨૦૧૯ના રોજ ભારતનાં ચૂંટણી પંચના ચૂંટણી કમિશ્નર શ્રી સુશીલ ચંદ્રા દ્વારા અમદાવાદ મુકામે કેટલાક જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક કરી આ કામગીરી અંગે સમીક્ષા કરી હતી.આ બેઠકમાં ચૂંટણી કમિશ્નરશ્રીએ કામગીરીમાં થયેલ પ્રગતિ અંગે અસંતોષ વ્યકત કરી, આ કામગીરીમાં સંતોષકારક પરિણામ મેળવી શકાય તે માટે તેઓશ્રીએ માર્ગદર્શન આપી, ઇચ્છિત પરિણામો માટે જરૂરી વ્યૂહરચના ઘડી તેના અસરકારક અમલ કરવા પર ભાર મૂકેલ છે આગામી સમયમાં ચૂંટણી પંચ દ્વારા પણ સમીક્ષા હાથ ધરવામાં આવનાર છે. આ EVP કામગીરીની ઠરાવેલ સમયમર્યાદામાં સંતોષકારક પરિણામ નહીં મળે તો સંબંધિત અધિકારીઓની જવાબદારીનો પ્રશ્ન ઉપસ્થિત થશે. જેની નોંધ લેવા સર્વે સંબંધિતોને જણાવવા પણ ટકોર કરાઇ છે.

વધુમાં આપના જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોની કામગીરીનું વિશ્લેષણ કરી જે વિધાનસભા મતદાર વિભાગમાં સારી કામગીરી થયેલ છે તે માટે હાથ ધરેલ વિશેષ ઉપાયોની વિગતો થતા જે વિધાનસભા મતદાર વિભાગોમાં નબળી કામગીરી થયેલ છે તે માટે જવાબદાર કારણો, જિલ્લામાં કરેલ SVEEP પ્રવૃતિઓની વિગતો સાથેનો હકીકતલક્ષી અહેવાલ તા.૭-૧૦-૨૦૧૯ સુધીમાં નામજોગ મોકલી આપવા પણ પત્રમાં આદેશો કરાયા છે.

(3:58 pm IST)