ગુજરાત
News of Monday, 7th October 2019

ફરાર સામે વોરન્ટ સાથે આશરો આપનાર સામે આકરા પગલા લેવાનો નિર્ણય

ડીવાયએસપીથી લઇ પોલીસમેન સુધીના ર૬ આરોપીઓ લાંચના કેસમાં ફરાર થતા એસીબી વડા કેશવકુમાર આકરા પાણીએઃ ડીવાયએસપી જે.એમ.ભરવાડ હજુ હાથ આવ્યા નથી ત્યાં ર લાખની લાંચના આરોપી કિંમતી કારમાં નાસી છૂટયા

રાજકોટ, તા., ૭: ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ગોઠવાયેલા છટકાઓ અને એસીબી પોલીસ મથકોમાં નોંધાયેલ ગુન્હાઓમાં આરોપીઓ ધરપકડ  ન થાય તે માટે નાસતા ફરતા હોવાની સંખ્યામાં થતા વધારા સામે એસીબી વડા કેશવકુમાર ચોંકી ઉઠયા છે અને આવા ભાગેડુ આરોપીની ધરપકડ માટે સીઆરપીસી કલમ ૭૦ મુજબ વોરંટ મેળવવાની કાર્યવાહી  કાનુની તજજ્ઞો મારફત શરૂ થયાનું એસીબી સુત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે ૮ લાખની લાંચના ગુન્હાના આરોપી કે જેઓ પોતાના પોલીસમેન   વિશાલ સોનારા મારફત લાંચ લેવાનો જેમના પર આરોપ છે તેવા જેતપુરના તત્કાલીન ડીવાયએસપી જે.એમ.ભરવાડ કે જેઓની તાજેતરમાં જ બદલી કરવામાં આવી છે. તેઓ લાંબા સમયથી ફરાર છે. આ આરોપી પકડાય તે અગાઉ જ ગઇકાલે અરવલ્લી મોડાસાના પોલીસમેન ભરતસિંહ હરેન્દ્રસિંંહ ઝાલા કે જેઓ બે લાખની લાંચમાં ઝડપાયા બાદ છટકાની ગંધ આવી જતા ફરીયાદીને તેઓની કિંમતી કારમાં બેસાડી દુર જઇ ફરીયાદીને ઉતારી લાંચના નાણા સાથે નાસી  છુટતા તેઓને ઝડપવા માટે એસીબી ટીમો દોડતી થઇ છે. આ અગાઉ સુરત, વડોદરાના પીઆઇ તથા વિરમગામના તત્કાલીન ડીવાયએસપી આ રીતે ફરાર થયેલ. ઉપરી અદાલત સુધી કારી ન ફાવતા અમુક સરન્ડર થયા છે.

એસીબી દ્વારા સઘન પ્રયાસો છતા કુલ ર૬ જેટલા આરોપીઓ ફરાર છે તેવા સમયે આવા ફરાર આરોપીને આશ્રય આપનાર સામે આઇપીસી કલમ ર૧રની જોગવાઇ મુજબ નાસતા ફરતા ગુન્હેગારોને આશ્રય આપતા કે તેઓને ખોરાક, પીણા, નાણા, કપડા અને શસ્ત્રની સુવિધા પુરી પાડતા લોકો સામે પગલા લેવાનું પણ એસીબી દ્વારા આયોજન કરવામાં આવ્યાનું બહાર આવ્યું છે.

(12:19 pm IST)