ગુજરાત
News of Monday, 7th October 2019

ફીટનેસ સર્ટીફીકેટ માટે આવતા વાહન ચાલકોની સુવિધા માટે

ગુજરાતના જિલ્લા મથકની RTO કચેરીમાં પણ PUC સેન્ટર ખોલવા જોઇએ

રાજકોટ, તા., ૭ : કેન્દ્ર સરકાર દ્વારા નવો મોટર વાહન એકટ સુધારા સાથે અમલમાં મુકતા દેશભરમાં અનેક વાહન ચાલકો કોઇને કોઇ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાથો સાથ સરકાર પ્રત્યે વાહન ચાલકોમાં આકરા દંડની કરેલ જોગવાઇ માટે પણ નારાજગી જોવા મળે છે.

ગુજરાતમાં સૌથી વધુ મુશ્કેલી વાહન ચાલકોને પીયુસી સર્ટીફીકેટ માટે પડવાની છે ત્યારે હજુ તો ગુજરાત સરકાર દ્વારા પીયુસી સર્ટીફીકેટ માટે કેન્દ્રો ખોલવાની વહીવટી પ્રક્રિયા ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે.

આથી જ નવા જ લોકો પીયુસી સેન્ટર માટે આગળ આવ્યા નથી. કારણ કે પીયુસી સેન્ટર માટે જો મુખ્ય રોડ પર દુકાન લેવી હોય તો પણ મીનીમમ ર૦ થી રપ લાખમાં મળે અને ત્યારબાદ બીજા ખર્ચ કરીને પીયુસી સેન્ટરના માણસોનો પગાર વગેરે જો ખર્ચ ગણે તો પીયુસી સેન્ટર હોલ્ડરને ખાસ  કમાણી થઇ શકે નહિ એટલે જ સરકારે જાહેરાત આપ્યા પછી માંડ માંડ ૧૦૦ અરજદારોએ જ અરજી કરી છે.

આવી વિકટ પરિસ્થિતી વચ્ચે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુ તથા વાહન વ્યવહાર ખાતાના કમિશ્નર સુનયનાબેન તોમરે ગુજરાતના જિલ્લા મથકની આરટીઓ કચેરીમાં પણ પીયુસી કેન્દ્ર ખોલવા માટે નિર્ણય કરવો જોઇએ.

જિલ્લા મથકની આરટીઓ કચેરીના ગ્રાઉન્ડ વિશાળ હોય છે તે ગ્રાઉન્ડમાં પીયુસી સેન્ટર ખોલવા માટે અરજીઓ મંગાવી આરટીઓ કચેરીમાં પણ પીયુસી સર્ટીફીકેટ મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઇએ.

ખાસ કરીને હેવી કોમર્શીયલ વાહનો રીક્ષા, મેટાડોર, ટેકસી મોટરો, ટ્રક, લકઝરી-મીની બસો, જેવા વાહનો નિયમીત જયારે  આરટીઓમાં ફીટનેસ સર્ટીફીકેટ માટે આવે ત્યારે આરટીઓ કચેરીમાં જ જો પીયુસી કેન્દ્ર હોય તો વાહન ચાલકોને વધુ સુવિધા રહેશે માટે રાજયના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીએ વાહન ચાલકોના હિતમાં નિર્ણય લેવો જોઇએ. (૪.૩)

(12:01 pm IST)