ગુજરાત
News of Monday, 7th October 2019

૩૩ લેખો, ૩૦ નવલિકાઓ, ૧૦૭ કાવ્યો વગેરેથી સમૃધ્ધ માહિતી ખાતાનો ગુજરાત દીપોત્સવી અંક

જ્ઞાન અને સદાચારના અજવાળા પાથરવાનો અવસર એટલે દીપોત્સવીઃવિજયભાઇ રૂપાણી

ગુજરાત સરકારના, માહિતી વિભાગ દ્વારા 'ગુજરાત દીપોત્સવી અંકનું વિમોચન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાયેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ.કે.દાસ માહિતી સચિવ અશ્વિનીકુમાર, માહિતી નિયામક અશોક કાલરિયા, અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ, સહાયક નિયામક પુલક ત્રિવેદી વગેરે ઉપસ્થિત છે

ગાંધીનગર, તા.૭: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૫૭નું શનિવારે ે વિમોચન કરતાં જણાવ્યું હતું કે, અજ્ઞાન અને દૂરાચારના અંધકારને જ્ઞાન અને સદાચારની, દીપજયોતથી પ્રકાશિત કરવાનો તહેવાર એટલે દીપોત્સવ. ઉત્સવો અને પર્વો વૈવિધ્યસભર જીવનનું નવઉન્મેષ છે. પ્રકાશનું એક નાનકડું કિરણ ઘોર અંધકારને ભેદવા માટે પૂરતું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તહેવારો આપણી સાંસ્કૃતિક વિરાસતની ધરોહર છે, પર્વો એકધારા, જીવનમાં નવો ઉત્સાહ અને નવી પ્રેરણા સાથે સામૂહિક ઉજવણીથી નવી તાજગીસભર ચેતનાથી જીવન ભરી દે છે. ભૂતકાળની ભુલોમાંથી શીખીને આવનારા નૂતન વર્ષે નવા સંકલ્પો સાથે ઉજવણી કરવાનો દીપોત્સવ અદકેરો ઉત્સવ છે. આ પ્રસગે ગુજરાતને દિવ્ય અને ભવ્ય રાજય બનાવી નવી ઉંચાઇએ લઇ જવા સંકલ્પબદ્વ બનવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના અને માહિતી વિભાગના સચિવ શ્રી અશ્વિનીકુમારે દીપોત્સવી અંક વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજયના માહિતી ખાતા દ્વારા પ્રતિ વર્ષની આગવી પરંપરા અનુસાર સાહિત્ય કલા, ઇતિહાસ, સાંસ્કૃતિક વિરાસત, સંસ્કાર વારસાને ગુજરાત દીપોત્સવીના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવે છે. ગુજરાત દીપોત્સવી અંક રાજય તેમ જ રાજય બહારના વાચકોમાં અપ્રતિમ ચાહના ધરાવે છે.

માહિતી નિયામકશ્રી અશોક કાલરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત દીપોત્સવી-૨૦૭૫માં ગુજરાતના મુર્ઘન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલા સાહિત્યની સૌરભથી વાચકમિત્રોનું મન પ્રફુલ્લિત બને તેવા ચિંતનાત્મક વિચારો, વાર્તાઓ વિનોદિકાઓ, કાવ્યો, નાટકો, ચિત્રો અને તસ્વીરોના સાત સૂરો છેડી રસથાળ પીરસવામાં આવ્યો છે. મુર્ધન્ય સાહિત્યકારો, ગુણવંતભાઇ શાહ, વિષ્ણુભાઇ પંડયા, જોરાવરસિંહ જાદવ, મહંમદ માંકડ, રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ, રાજેન્દ્ર શુકલ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે વિવિધ રસભર સાહિત્યકૃતિઓનો દીપોત્સવી અંકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ દળદાર અંકમાં ૩૩ જેટલા અભ્યાસલેખો, ૩૦ જેટલી નવલિકા, ૨૦ જેટલી વિનોદિકા, ૭ નાટિકા અને ૧૦૭ જેટલી કાવ્ય રચનાઓથી સૌને રસતરબોળ બનાવવા સાથે ૭૬ જેટલી વિવિધ સુંદર અને આકર્ષક તસ્વીરોથી અંકને વધુ નયનરમ્ય બનાવાયો છે.

ગુજરાત દીપોત્સવી અંકના વિમોચન પ્રસંગે અધિક માહિતી નિયામક અને ગુજરાત દીપોત્સવી અંકના સહ તંત્રી શ્રી અરવિંદભાઇ પટેલ, સંયુકત માહિતી નિયામક અને દીપોત્સવી અંકના સંપાદક શ્રી પુલક ત્રિવેદી તેમજ માહિતી ખાતાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આશરે પ૦૦ પાનાના આ દીપોત્સવી અંકની કિંમત માત્ર રૂ.૪૦ છે. નજીકની માહિતી ખાતાની કચેરી (રાજકોટમાં જયુબેલી બાગમાં) અને જાણીતા પુસ્તક વિક્રેતાઓને ત્યાંથી મળી શકશે. વધુ માહિતી માટે ફોન નં.૦૭૯-૨૩૨૫૩૩૯૧ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(12:01 pm IST)