ગુજરાત
News of Monday, 7th October 2019

સુરતના વકીલે કાપડ પર બનાવ્યો દેશનો પહેલો દસ્તાવેજ :હવે રેકોર્ડ માટે લિમ્કા બુકમાં મોકલાશે

કાપડ વેપારી સંજય બાબુલાલ સુરાનાએ ખરીદેલી મિલકતનો દસ્તાવેજ વકીલ અરુણ લાહોટીએ કાપડમાં બનાવ્યો

સુરત શહેરનાં એક કાપડના વેપારીએ પોતાની મિલકતનો દસ્તાવેજ કાપડ પર બનાવ્યો છે. વકીલ અરુણ લાહોટી હસ્તક બનાવવામાં આવેલો જે દેશનો પ્રથમ કાપડ પર બનાવેલો દસ્તાવેજ બની રહ્યો છે.

વકીલ અરુણ લાહોટી કાયદાની મર્યાદામાં રહીને અલગ -અલગ પ્રકારના દસ્તાવેજ બનાવવા માટે જાણીતા છે. તેમને વિચાર આવ્યો કે, સુરતને ટેક્સટાઇલ નગરી ગણવામાં આવે છે તો સુરતમાં એક દસ્તાવેજ કાપડ પર પણ હોવો જોઈએ. કાપડ વેપારી સંજય બાબુલાલ સુરાનાએ ખરીદેલી મિલકતનો દસ્તાવેજ કરવાનો હતો. તે વકીલ અરુણ પાસે જતાં તેમણે કાપડ પર દસ્તાવેજ કરવાનો આઇડિયા આપ્યો. દસ્તાવેજનું લખાણ કાપડ પર ઉતારવાનું એટલે કે પ્રિન્ટનું કામ મહત્ત્વનું હતું. પ્રિન્ટિંગનું કામ સાંઈ પ્રિન્ટસના રોહિત કપૂરે કરી આપ્યું હતું. ફાઇનલ ટચ ડિઝાઇનર અનુરાધા સોમાણીએ આપ્યો હતો. દસ્તાવેજ તૈયાર કરવામાં ચાર મહિનાનો સમય લાગ્યો.

કાપડ પર બનાવવામાં આવેલો દસ્તાવેજ વિશ્વનો પ્રથમ દસ્તાવેજ હોવાનો દાવો વકીલ લાહોટી દ્વારા કરાઇ રહ્યો છે. જે હવે સુપ્રીમ કોર્ટ લો મ્યુઝિયમ અને લિમ્કા બુકમાં મોકલવામાં આવશે.વકીલ અરુણ લાહોટી દસ્તાવેજ સાથે પ્રયોગ કરી રહ્યા છે. તેમણે સૌપ્રથમ સુરતમાં હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, તાડપત્ર પર દસ્તાવેજ અને સોના-ચાંદી અને હીરાજડિત દસ્તાવેજ બનાવ્યા છે.

(11:55 pm IST)