ગુજરાત
News of Saturday, 7th September 2019

મુછડિયાને લોકો ધારાસભ્ય ન માનતા હોવાનો દાવો થયો

મોરારિબાપુનાં નિવેદનને લઇ ટીકા કરનાર પર પ્રહાર : સરકારને બદનામ કરવા કોંગ્રેસનું કાવતરું : નીતિન પટેલ

અમદાવાદ, તા.૭ : તાજેતરમાં મોરારિબાપુએ પોતાની કથામાં ભગવાન સ્વામિનારાયણનાં કિશોર સ્વરૂપ નીલકંઠવર્ણીને લઇ કરેલી ટિપ્પણીને લઇ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે ત્યારે કાલાવડનાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મૂછડીયાએ નિવેદન આપતા જણાવ્યું કે, મોરારિબાપુનાં નિવેદનથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હજારો લોકોની લાગણી દુભાઈ છે. જેથી ભગવાન મોરારિબાપુને સદ્દબુધ્ધી આપે. તેમનામાં સંતપણુ દેખાતું નથી અને તેઓ જાહેરમાં ભાજપની તરફેણ કરે છે. મૂછડીયાના આ નિવેદન પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બગડયા હતા અને મૂછડિયાને આડા હાથે લીધા હતા. નીતિન પટેલે મૂછડિયા પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, મૂછડીયાને લોકો ધારાસભ્ય માનતા નથી. સરકારને બદનામ કરવાનું કોંગ્રેસે કાવતરું ઘડ્યું છે. ઘણાં ધારાસભ્ય એવા છે જે પહેલી અને છેલ્લીવાર ચૂંટાયા છે. અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય મૂછડિયાએ વિવાદીત નિવેદનમાં જણાવ્યું હતું કે, આપણે મોરારિબાપુ અને બાબા રામદેવ બાબાને સંતો કહીએ છીએ. પણ તેમાં સંતો જેવું દેખાતું નથી. તેઓ જાહેરમાં ભાજપની તરફેણ કરે છે અને વાણી વિલાસ કરે છે. મોરારિબાપુ અને બાબા રામદેવ ગમે તેવા બફાટ કરતા હોય અને જાહેરમાં ભગવાન કે સંતોનું અપમાન કરતા હોય છે. જેથી હું આ વાતનું ખંડન કરૂ છું. મોરારિબાપુએ મિચ્છામી દુક્કડમ કહ્યું પણ મોરારિબાપુની બોડીલેંગ્વેજ જોતા મને એવું નથી લાગતું કે મોરારિબાપુએ દિલથી માફી માંગી હોય. દરમ્યાન મૂછડિયાના નિવેદનથી રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બગડયા હતા અને મૂછડિયાને રીતસરના આડા હાથે લીધા હતા. ખાસ કરીને મોરારિબાપુ ભાજપની તરફેણ કરી રહ્યા હોવાના આક્ષેપને લઇ નીતિન પટેલે મૂછડિયા પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, મૂછડિયાની વાતને લોકો માનતા નથી કારણ કે, મૂછડિયાને લોકો ધારાસભ્ય માનતા જ નથી. વાસ્તવમાં, કોંગ્રેસ દ્વારા રાજય સરકારને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. કેટલાક ધારાસભ્યો એવા હોય છે કે, જે પહેલી અને છેલ્લીવાર ચૂંટાયા હોય છે એમ કહી નીતિન પટેલે કોંગી ધારાસભ્ય મૂછડિયાને કટાક્ષભર્યો ટોંણો માર્યો હતો.

(9:52 pm IST)