ગુજરાત
News of Friday, 7th September 2018

મનઘડત ફી ઉઘરાવતી ૭૯ કોલેજોને નોટીસ ફટકારતી ફી નિર્ધારણ કમિટી

૧પ સપ્ટે. સુધીમાં સમિતિમાં બાંહેધરી આપવા તાકીદ

રાજકોટ તા. ૭ :.. ગુજરાત રાજય ફી નિયમન સમિતિ (ટેકનીકલ) દ્વારા નિર્ધારીત કરાયેલ ફી ઉપરાંત વધારાની ફી ઉઘરાવતી તેમજ જુદા જુદા મથાળાઓ હેઠળ વધુ ફી લેતી સંસ્થાઓને આપવામાં આવેલી નોટીસનો પ્રત્યુતર નહીં પાઠવનાર ૭૯ સંસ્થાઓને સેકન્ડ શો-કોઝ નોટીસ આપી આવી સંસ્થાઓ સામે ત્વરીત દંડનાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય ફી નિયમન  સમિતિ (ટેકનીકલ) ગુજરાત રાજય દ્વારા કરવામાં આવ્યો છે તેમ સમિતિના સભ્ય અને વરિષ્ઠ પૂર્વ કુલપતિ પ્રો. કમલેશ જોશીપુરાએ રાજકોટ ખાતે જણાવ્યું છે.

જૂન-ર૦૧૮ માં 'ડીકલેરેશન કમ અન્ડરટેકિંગ' નહીં આપનાર ૪પ૩ સંસ્થાઓને ફર્સ્ટ શો-કોઝ નોટીસ આપવામાં આવેલ હતી અને સમિતિની નોટીસમાં પરિણામ સ્વરૂપ  ર૪૪  સંસ્થાઓએ હવે આવી ફી કાં તો પરત આપવા અથવા તો ભવિષ્યમાં નહીં લેવા લેખિત બાંહેધરી આપી દીધી છે તેમજ ૧૧૯ સંસ્થાઓએ ફરીથી સુનાવણીની તક આપવા વિનંતી કરેલ છે અને ૧૧ સંસ્થાઓએ ખુલાસા સાથે જવાબ રજૂ કર્યો છે.

રાજયની ૭૯ સંસ્થાઓએ સમિતિની કારણદર્શક નોટીસને અવગણી છે આ સ્થિતિમાં ગુજરાત  રાજય ફી નિયમન સમિતિને સમિતિના કાયદાની કલમ-૧૦ અંતર્ગત કલમના ઉલંઘન માટે દોષિત ઠેરાવી અને કાયદાની કલમ-૧૪ અંતર્ગતની દાખલારૂપ પેનલ્ટી લાદવા માટે કાયદાની કલમ-૧૪ અંતર્ગત બીજી અને છેલ્લી કારણ દર્શક નોટીસ આપી ૧પ સપ્ટેમ્બર સુધી જવાબ રજૂ કરવા તાકીદ કરવામાં આવેલ છે અને આવી સંસ્થાઓ સામે ઉદાહરણ અને દાખલારૂપ પેનલ્ટી લાદવાનો નિર્ણય-દંડનાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે-૧૧૯ સંસ્થાઓએ સમિતિ સમક્ષ ફરીથી સુનવણી માટેની વિનંતી કરેલ છે તેઓને તત્કાલ મેરીટ ઉપર સાંભળી અને કાયદાની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

સમિતિના અધ્યક્ષ જસ્ટીસ અક્ષય મહેતાના વડપણ હેઠળ મળેલી અગત્યની બેઠકમાં આ મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે, આ અગાઉ ગત વર્ષેથી તા.૧૫-૯-૨૦૧૭ના રોજ સરકયુલરથી તમામ સ્વ-નિર્ફર સંસ્થાઓને સમિતિએ નક્કી કરેલ ફી ઉપરાંત જુદા જુદા મથાળા, ખાસ કરીને કોશનમની કે ડીપોઝીટ જેવા મથાળા હેઠળ વધારાની ફી લેવમાં આવતી નથી તે મુજબનું 'ડીકલેરેશન કમ અન્ડરટેકિંગ' જમા કરાવવા જણાવેલ હતું અને તે મુજબ ૧૫૦ સંસ્થાઓએ સમીતીને જરૂરી 'ડીકલેરેશન કમ અન્ડરટેકિંગ' જમા કરાવેલ હતું.

સમિતિની બેઠકમાં જસ્ટીસ અક્ષય મહેતા ઉપરાંત ટેકનિકલ એજ્યુકેશન ડાયરેકટર ક્રિષ્નકુમાર નિરાલા, ટાર્ડ એકાઉન્ટન્ટ જૈનિક વકીલ, મેનેજમેન્ટના પ્રતિનિધિ ભૂપેન્દ્રભાઇ શાહ તેમજ ખાસ ફરજ પરના અધિકારી શ્રી એમ.એચ.લોહિયા ઉપસ્થિત રહેલ.

(4:32 pm IST)