ગુજરાત
News of Friday, 7th August 2020

ધોળકામાં હાહાકાર : ‘બધી મહિલાઓને મારી નાંખવી છે’ ની બૂમો પાડી કર્યા ટ્રિપલ મર્ડર : એક જ પરિવારના ત્રણની ઘાતકી હત્યા

7 વર્ષીય બાળકી બાથરુમમાંથી નીકળતા નરાધમે રહેંસી નાંખી :દોઢ માસથી ધોળકા રહેતા બોપલના શખ્સે કાળોકેર વર્તાવ્યો

અમદાવાદઃધોળકાના કેલિયાવાસણા ગામે હાહાકાર મચ્યો છે,બપોરે સાત વર્ષની બાળકી તેની માતા અને દાદીની ધારિયાથી ગળા કાપી હત્યા થતા ચકચાર જાગી છે.  આરોપી હત્યારાને સ્થાનિક લોકોએ ઝડપી લીધો હતો. તે પહેલાં ત્રણ ત્રણ હત્યા બાદ પણ નહીં અટકેલા આરોપીએ અન્ય એક મહિલા અને બે પુરુષોને ઇજા કરી છે. આરોપી રાજુ ચમન અદાવાદના બોપલનો રહેવાસી છે. પરંતુ કોરોનાને કારણે છેલ્લા દોઢ માસથી ધોળકામાં રહે છે.

 ઘવાયેલી મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં ઝાયડ્સ હોસ્પિટલ લઈ જવાઈ છે. ધોળકા ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ કરી છે. આરોપીથી બચીને મૃતક બાળકીની નાની બહેન ઘરમાંથી ભાગીને બહાર નીકળી ગઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ ધોળકાના  કેલિયાવાસણા ગામે રહેતો વિજય રમણ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વિજય આજે નોકરી પર હાજર હતો.ઘરે તેની માતા જશોદાબહેન(ઉં,75) વિજયની પત્ની સુમિત્રા(ઉં,35) અને પુત્રી જિયા (ઉં,7) ઘરે હાજર હતાં. વિજયની પડોશમાં રહેતો રાજુ ચમન પટેલ (ઉં,45)નો છેલ્લા દોઢ માસથી કોરોનાને કારણે મૂળ વતનમાં રહેવા માટે અમદાવાદ બોપલથી આવ્યો હતો.

 રાજુ આજે બપોરે હાથમાં ધારિયું લઈ બહાર નીકળ્યો હતો. રાજુ બુમો પાડતો હતો કે, આજે બધી મહિલાઓને પતાવી દેવાની છે. દરમિયાનમાં તે ધારિયું લઈ વિજયના ઘર તરફ ગયો અને જશોદાબહેનને ગળાના ભાગે ઘા માર્યો અને સુમિત્રાબહેનનું ગળું રેહસી નાખ્યું હતું. દાદી અને માતાની કરુંણ ચીસો સાંભળી જિયા બાથરૂમમાંથી બહાર આવવા જતી હતી. આરોપીએ બાળકીની પણ હત્યા કરી નાખી હતી

બનાવ બાદ ધારિયું લઈ ફરતા આરોપીનેચાંદરિકાબહેન નામની મહિલાએ હિમ્મત કરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. તો તેમને પણ ગંભીર ઇજા પહોંચાડી છે. જો કે અન્ય બે પુરુષોએ આરોપીને પકડી તેના હાથમાંથી ધારિયું છીનવી લીધું હતું. વ્યાસભાઈ નામના શખ્સે આરોપી રાજુના હાથમાંથી ધારિયું ના લીધું હોત તો હજુ પણ વધુ લોકોની હત્યા કરવાનું ઝનૂન આરોપી પર સવાર હતું.

અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંગ યાદવએ જણાવ્યું હતું કે,“આરોપી રાજુ ચમન અને તેના ભાઈના લગ્ન થયા નથી બંને ભાઈઓમાંથી રાજુ અમદાવાદના બોપલ ખાતે રહેતો હતો. આરોપી એકલવાયું જીવન જીવતા માનસિક તણાવમાં હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાને કારણે દોઢ માસથી ગામમાં રહેવા માટે આવ્યો હતો. આજે અચાનક મહિલાઓને મારવાની છે તેવી બુમો પાડતો નીકળ્યો હતો. આરોપીને પકડી તેની પૂછપરછ હાથ ધરાઈ છે. એકલવાયું જીવન જીવતા તણાવમાં આવી આ કૃત્ય આરોપી રાજુએ કર્યું હોય શકે છે. આઅંગે વધુ તપાસ ચાલુ છે.

ધોળકા ગ્રામ્ય પીઆઇ અસારીએ જણાવ્યું હતું કે, આરોપીએ બાળકી સહિત એક જ પરિવારની ત્રણ મહિલાની હત્યા અને એક મહિલા સહિત બે લોકોને ઇજા કરી છે.

(11:37 pm IST)