ગુજરાત
News of Thursday, 7th July 2022

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ખેડૂતોએ ખેતરો જોતરવાનું કામ શરૂ કર્યુ : કપાસ અને ડાંગરના પાકનું મુખ્યત્વે વાવેતર કરાયું

ચોમાસાનો સમયસર પ્રારંભ થતા ખેડૂતોને સિઝનમાં પાક સારો થવાની આશા : હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો ડાંગરના પાકનું વાવેતર કરે તેવું અનુમાન

અંકલેશ્વર તા. 07 : ગુજરાતમાં ચોમાસાનું સમયસર આગમન થઈ જતાં ખેડૂતોમાં ખુશીની હેલી ફરી ગઈ છે. અને ખેડૂતોએ વાવણીનાં શ્રી ગણેશ કરી દીધા છે. જેમાં મુખ્યત્વે ખેડૂતો દ્વારા કપાસ અને ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ આ વર્ષે વરસાદ સમયસર આવી જતાં પાક સારો જવાની આશા છે.

અંકલેશ્વર હાંસોટ પંથકમાં ખેડૂતોએ પોતપોતાના ખેતરોમાં માટીને સમતળ અને ખેડાણની શરૂઆત કરી દીધી છે. અને આજ રોજથી વાવણી કાર્યનો શુભારંભ કર્યો છે. મોટેભાગે ડાંગર અને કપાસનો પાક લેવા સ્થાનિક ખેડૂતોએ તૈયારીઓ આદરી છે. સામાન્ય રીતે સારા પાકનો મોટાભાગનો આધાર ચોમાસુ સીઝન પર હોય છે. હાલ તો સ્થાનિક તાલુકાઓમાં ખેડૂતોએ બીજ રોપવાની શરૂઆત કરી દીધી છે. વરસાદ ઉપરાંત નહેર અને નદીઓમાં નવા નીર આવતા ખેડૂતોને વાવણી અંગેની ચિંતા દૂર થઈ ચૂકી છે. હાલ તો સારો પાક ઊતરે એ માટે ખેડૂતો ખેત મજૂર સાથે ખેતી કરવા લાગ્યા છે. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોએ સૌથી વધુ કપાસ, ડાંગરના પાકનું વાવેતર શરૂ કરી દીધુ છે.

જોકે, આકાશી રોજી ઉપર નભતા ખેડૂતોએ વરસાદને કારણે વાવણીના શ્રીગણેશ તો કર્યા છે પરંતુ, સારા પાક માટે બધો આધાર વરસાદ ઉપર નિર્ભર છે. અંકલેશ્વર હાંસોટ તાલુકાની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો મોટેભાગે ડાંગરના પાકની વાવણીની કામગીરીનો પ્રારંભ કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકામાં અંદાજે 2200 હેક્ટર જમીનમાં ડાંગરનો પાક લેવાય તેવો અંદાજ છે. જ્યારે હાંસોટ તાલુકામાં અંદાજે 1300 હેક્ટર જમીનમાં સ્થાનિક ખેડૂતોએ ડાંગરનું વાવેતર કરશે તેવુ અનુમાન લગાવવામાં આવ્યું છે.

(8:48 pm IST)