ગુજરાત
News of Thursday, 7th July 2022

કેન્દ્રીય નાણાં મંત્રી-ઉદ્યોગ મંત્રી-રેલ્વે મંત્રીની ઉપસ્થિતીમાં નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્ષ કમિટીની નવી દિલ્હીમાં પ્રથમ બેઠક: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી સહભાગી થયા: ગુજરાત સહિત ૬ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીએ બેઠકમા વર્ચ્યુઅલ જોડાઇને ચર્ચા પરામર્શમાં ભાગ લીધો

DMIC કોરીડોર અંતર્ગત ગ્રીનફિલ્ડ ઇન્ડ્રસ્ટીયલ સ્માર્ટ સિટીની પરિકલ્પનાથી નિર્માણ થઇ રહેલી ધોલેરા SIR પરિયોજના રાજ્ય સરકારની મુખ્ય પરિયોજના: વડાપ્રધાનશ્રીના પી.એમ ગતિશક્તિ માસ્ટર પ્લાન અને મલ્ટિમોડેલ કનેક્ટીવીટીમાં આ પરિયોજના માઇલ સ્ટોન પુરવાર થશે: ધોલેરા SIR ને ભારત સરકારના મળી રહેલા સંપૂર્ણ સહયોગથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થઇ શકયું છે: મુખ્યમંત્રી

ગાંધીનગર: નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્ષ કમિટીની પ્રથમ બેઠક નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સિતારમણ, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પિયૂષ ગોયલ તથા રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતીમાં યોજવામાં આવી હતી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠકમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થયા હતા
ગુજરાત ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ તથા અન્ય રાજ્યોના ઉદ્યોગ મંત્રીશ્રીઓ પણ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પરિકલ્પનાને વાસ્તવિક રૂપ આપવા માટે ધોલેરા SIRને કેન્દ્ર સરકાર દ્વારા મળી રહેલા સહયોગ અંગે આભારની લાગણી દર્શાવી હતી.
તેમણે જણાવ્યું કે, દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર અંતર્ગત ગુજરાતની આ પરિયોજના ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીની પરિકલ્પના પર સાકાર થઇ રહેલી રાજ્ય સરકારની મુખ્ય પરિયોજના છે.
ભારત સરકારના સહયોગથી આ પરિયોજના પી.એમ ગતિશક્તિ માસ્ટર પ્લાન અને મલ્ટિમોડેલ કનેક્ટીવીટીમાં માઇલસ્ટોન સાબિત થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ધોલેરા SIRને કેન્દ્ર સરકારના મળી રહેલા સંપૂર્ણ સહકારથી જ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થઇ શક્યું છે.
એટલું જ નહિ, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અહિ એક્સપ્રેસ-વે નું નિર્માણ થઇ રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટી CCEAની ગયા મહિને મળેલી બેઠકમાં ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આના પરિણામે હવે એરપોર્ટ પ્રોજેક્ટનો ત્વરાએ અમલ કરાશે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરામાં સ્થપાનારા ઉદ્યોગો માટે રેલ્વે કનેક્ટીવીટીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાતના સંદર્ભમાં કહ્યું કે આ હેતુસર ભીમનાથ ધોલેરા રેલ પરિયોજના માટે જમીન સંપાદનની પ્રક્રિયા પ્રગતિમાં છે. સંયુકત માપણી સર્વેક્ષણ પુરૂં થઇ ગયું છે
તેમણે ઉમેર્યુ કે, આવનારા ૬ મહિનામાં આ રેલ પરિયોજના માટે જમીન ઉપલબ્ધિ સાથોસાથ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા પણ રાજ્ય સરકાર પ્રયાસ રત છે.
મુખ્યમંત્રીશ્રીએ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ગુજરાત સંપૂર્ણ સહયોગ આપવા તત્પર છે એમ પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ધોલેરા SIR ના સી.ઇ.ઓ અને પ્રવાસન સચિવ શ્રી હારિત શુકલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

(4:41 pm IST)