ગુજરાત
News of Wednesday, 7th July 2021

કોરોનાના કારણે આ વર્ષે પણ વલસાડ જીલ્લામાં ગણેશજીની મૂર્તિ બનાવનારાની હાલત કફોડીઃ તહેવારોમાં છૂટછાટ આપો અથવા સરકાર સહાય કરે

વલસાડ: વિઘ્નહર્તા શ્રી ગણેશના તહેવાર પર આ વર્ષે પણ કોરોના કાળ બનીને આવ્યો છે. કોરોનાનો વિઘ્નને લઈને વલસાડ જિલ્લાના મૂર્તિકારોની હાલત કફોડી બની છે. મૂર્તિકારોની ગણેશ પ્રતિમાઓ ન વેચાતા મૂર્તિકારો દેવાદાર બની ગયા છે. ત્યારે મૂર્તિકારોએ સરકાર પર આશા વ્યક્ત કરી છે કે, ગણેશ તહેવારમાં થોડી છૂટછાટ આપે અને મૂર્તિકારોની મૂર્તિઓ વેચાય તો મૂર્તિકારો દેવામાંથી બહાર આવે. જો છૂટછાટ ન આપવામાં આવે તો સરકાર મૂર્તિકારોને સહાય કરે. 

ગણેશજીની પ્રતિમા બનાવવાનો ખર્ચ માથે પડ્યો

મહત્ત્વ પૂર્ણ છે કે ગત વર્ષથી કોરોનાના કહેરના કારણે દેશભરમાં તહેવારો ઉપર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. તેને લઈને વલસાડ જિલ્લાના મૂર્તિકારો દેવાદાર બની ગયા છે. વલસાડ જિલ્લામાં ગણેશજીની પ્રતિમા બનાવી ગુજરાન ચલાવતા મૂર્તિકારોની હાલત કફોડી બની છે. ગત વર્ષે ગણેશ ઉત્સવ કોરોનાના કારણે ઉજવાયો ન હતો. જેને લઈને મૂર્તિકારોના ગોડાઉનમાં ગણેશ પ્રતિમાઓ ધૂળ ખાતી પડી હતી. સાથે જ મૂર્તિકારોએ મૂર્તિ બનાવવા માટે કરેલો ખર્ચ પણ તેઓને ન મળ્યો હતો. તો બીજી તરફ, પ્રતિમાઓ મૂકવા માટે ગોડાઉન તથા દુકાનોના ભાડા પણ માથે પડ્યા હતા.

સરકાર તહેવારમાં છૂટછાટ આપે

મૂર્તિકારોએ મૂર્તિઓ બનાવવા માટે લોન લીધી હતી. મૂર્તિઓ ન વેચતા તમામ મૂર્તિકારો હવે દેવાદાર બનવાનો વારો આવ્યો છે. ત્યારે આ વર્ષે પણ ફરી એકવાર ગણેશ ઉત્સવ આવી રહ્યો છે. ત્યારે મૂર્તિકારોએ સરકાર પર આશા વ્યક્ત કરી છે કે, સરકાર આ વર્ષે ગણેશ ઉત્સવમાં થોડી છૂટછાટ આપે તો ગણેશજીની પ્રતિમાઓ વેચી ફરી પોતાના પગ પર ઉભા થઈ શકે.

સરકાર સહાયની જાહેરાત કરે

તો સાથે જ તેમણે કહ્યું કે, જો સરકાર દ્વારા છૂટછાટ ન અપાય તો તમામ મૂર્તિકારો માટે સહાયની જાહેરાત કરે. વલસાડ જિલ્લાના મૂર્તિકારો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે, મૂર્તિકારોને સહાય મળે અને મૂર્તિકારો ફરી પોતાના પગ પર ઉભા થઈ શકે.

(5:11 pm IST)