ગુજરાત
News of Saturday, 7th July 2018

ગાંધીનગર SPએ પ્રેસકોન્ફરન્સમાં કથીત મહિલા વિષે વિગતો આપ્યા બાદ હાર્દિક પટેલ , અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ SP કચેરીમાં ધરણા પુરા કર્યા : કોના આક્ષેપ સાચા છે એની તપાસ કરાશે - ગાંધીનગર એસપી વિરેન્દ્ર યાદવ

ગાંધીનગર : ગાંધીનગરમાં મહિલાના ઘરમાં દારૂના મામલે જનતા રેડ કરનારા હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ સામે પોલીસે ગુનોં નોંધ્યો છે. જોકે, તેઓ સામે ચાલીને એસપી ઓફિસે પોતાની ધરપકડ કરાવવા માટે પહોંચ્યા છે. પરંતુ પોલીસ તેમની ધરપકડ કરવાનો ઇન્કાર કરી દીધો છે. પરંતુ હવે આ ત્રણે નેતાઓ જીદે ભરાયા હતા અને પોતાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ એસપી કચેરીમાં ધરણા ઉપર બેઠાં હતા. તેમની માંગણી હતી કે, જ્યાં સુધી પોતાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ એસપી કચેરીની બહાર નહીં જાય. સાથે સાથે મહિલાના ગુનાહિત ઇતિહાસ અંગે એસપી નિવેદન આપે અને કેસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે. જોકે, આ અંગે એસપીએ પ્રેસકોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મહિલા અને તેમના પતિ સામે ભુતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. અને તેમની સામે નાના મોટા ગુનાઓ પણ નોંધાયા હતા. એસપીએ આ કેસમાં તટસ્થ તપાસ થશે એવો વિશ્વાસ પણ આપ્યો હતો.

ગાંધીનગર એસપી વિરેન્દ્ર યાદવે પ્રેસકોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું, કે બે દિવસ પહેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ સહિત બીજા અન્ય લોકોએ એક મહિલાના ઘરમાં ગેરકાદેસર રીતે પ્રવેશ કરીને રેડ કરી હતી. રેડ કરવા માટે ચોક્કસ પ્રકારની પ્રક્રિયા હોય છે. જેને પોલીસે પણ અનુસરવાની હોય છે. જોકે, મહિલાના ઘરે રેડ પાડવા માટે  તેમણે પોલીસને સાથે ન રાખીને તપાસ કરવાની જરૂર ન હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષો તરફથી આક્ષેપો થઇ રહ્યા છે. જોકે, કોના આક્ષેપો સાચા છે એ માટે તપાસ કરવામાં આવશે. તટસ્થ રીતે તપાસ થાય તે માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરશે. તપાસના અંતે જે પણ સત્ય બહાર આવશે એના પર કાર્યવાહી કરવામાં આવશે.
ધારાસભ્યો અને સાથી મિત્રોની સાથે એસપી સાથે વાતચીત અંગે એસપીએ જણાવ્યું હતું. પોતાની ધરપકડ કરવા માટે આ ધારાસભ્યો અને સાથી મિત્રો આવ્યા હતા જોકે, તેમણે પણ આ ફરિયાદ અંગે જણાવ્યું હતું. અને તટસ્થ તપાસ બાદ જે પણ સામે આવશે એ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પોતાની ધરપકડ કરાવવા માટે એસપી કચેરી પહોંચેલા ત્રણે નેતાઓની ધરપકડ કરવા માટે પોલીસ ઇન્કાર કરી દીધો છે. જેના પગલે ત્રણે નેતાઓએ જીદે ભરાયા છે અને એસપી કચેરીમાં જ ધરણા ઉપર બેઠા છે. તેમની માંગણી છે કે, જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ એસપી કચેરીની બહાર નહીં જાય. તેમની એક જ માંગણી છે કે, અમારી ધરપકડ કરો અથવા તો મહિલા બૂટલેગર સામે ફરિયાદ નોંધો.

એસપી કચેરીમાં ધરણા ઉપર બેઠેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, બે કલાકમાં એસપી કે ગુજરાત સરકાર મહિલાનો ગુનાહિત ઇતિહાસ જાહેર કરે. જો ન કરે તો લોકો આવો ગાંધીનગર એટલે આમને પણ ખબર પડે કે, બુટલેગરો બેફામ છે કે, ગુજરાતની જનતા સાચી છે. ગુજરાતની જનતાને બાપડી બીચારી બનાવી દીધી છે. આ લોકો સરકાર નીચે દબાયેલા છે. મહિલા ઉપર ત્રણ કેસ થયા છે. આમ છતાં તમારે અમારા ઉપર કેસ કરવા છે અમને દબાવવા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી બે જ માગણી છેકે, મહિલાનો ગુનાહિત ઇતિહાસ જાહેર કરવામાં આવે અને આ કેસની તપાસ એલસીબીને સોંપવામાં આવે.

ત્રણે નેતાઓ ધરણા ઉપર બેઠા બાદ ગાંધીનગર એસપી વિરેન્દ્ર યાદવે ફરીથી પ્રેસકોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જેમાં તેમણે મહિલા અને તેના પતિના ગુનાહિત ઇતિહાસ અંગે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મહિલાના પતિ અગાઉ અમુક ગુનાઓ દાખલ થયેલા છે. મહિલા ઉપર પણ ગુનાઓ દાખલ છે. આમની માંગણી છે કે, મહિલાનો ગુનાહિત ઇતિહાસની તપાસ કરવી જોઇએ. છેલ્લા સાતથી નવ મહિનાથી મહિલા ઉપર કોઇ જ પ્રકારનો ગુનો નોંધાયો છે. વિપક્ષના નેતા મળ્યા છે તેમનું કહેવાનું છે કે, મહિલાની તપાસ થવી જોઇએ. મહિલાની ઇતિહાસ પણ સારી રીતે ઉંડાણપૂર્વક તપાસ થઇ થશે.

ત્રણે નેતાઓ બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ ગાંધીનગર એસપી કચેરીએ પહોંચ્યા હતા. તેમણે એસપી સાથે મુલાકાત કર્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગલીએ ગલીએ ગુંડા અને અસામાજિક તત્વોનું રાજ છે. સામાજિક કાર્યકર્તાઓ જે આવા અસામાજિક તત્વોને ઉજાગર કરવોનું કામ કરી રહ્યા છે તેમને જ જેલમાં પુરી દેવાનું ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે.

(10:42 pm IST)