ગુજરાત
News of Saturday, 7th July 2018

ગાંધીનગર : અલ્પેશ, જિજ્ઞેશ અને હાર્દિક પટેલ ધરણા પર

ત્રિપુટીના ધરણાથી જોરદાર તંગદિલી ફેલાઈ ગઈ: મોટી સંખ્યામાં સમર્થકો સાથે ત્રિપુટી ગાંધીનગર એસપી કચેરીએ પહોંચી : કોંગ્રેસના પરેશ ધાનાણી પણ પહોંચ્યા

અમદાવાદ,તા.૭: દારૂબંધીના મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકાર અને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની ત્રિપુટી આમને સામને આવી ગઈ છે. આજે મોડી સાંજે આ ત્રિપુટીએ પાટનગર ગાંધીનગરમાં એસપી કચેરીએ ધરણા પ્રદર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં લોકોની સાથે આ ત્રિપુટી ગાંધીનગર એસપી કચેરીએ પહોંચી ગઈ હતી અને ભારે અઁધાધૂંધી સર્જાઈ ગઈ હતી. ત્રિપુટીએ સરકાર સામે મોરચો ખોલી દીધો છે. દારૂબંધીને લઈને આજે આ ત્રણેય નેતાઓ સામે પોલીસ ફરિયાદ થયા બાદ ગાંધીનગરની એસપી કચેરીએ સામેથી પહોંચ્યા હતા અને ધરણા ઉપર બેસી ગયા હતા. આ સ્થિતિમાં આ ત્રિપુટીની સાથે પાંચ ધારાસભ્યો પણ જોડાયા હતા. બીજી બાજુ પોલીસે કહ્યું છે કે તેના સાથ વગર કોઈપણ પ્રકારની જનતા રેડ યોગ્ય ગણી શકાય નહીં. બીજી બાજુ હાર્દિક પટેલે ગુજરાતમાં દારૂબંધીની પરિસ્થિતિ વિશે ચોંકાવનારી વાત કરી છે.

 છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં જનતારેડનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. અમદાવાદમાં દેશી દારૂ પીધા બાદ ચાર વ્યક્તિની તબિયત લથડી ગઈ હતી. આને લઈને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ દારૂ આંદોલન શરૂ કર્યું છે. ગાંધનગરમાં જનતા રેડ પણ પાડી હતી. આ ત્રિપુટીએ ગઈકાલે દારૂના અડ્ડા પર રેડ પાડી હતી અને બે કોથડી દારૂ પકડીને ચર્ચા જગાવી હતી. બીજી બાજુ ગાંધીનગર પોલીસ પણ ખુલાસો કરવા મેદાનમાં આવી ગઈ છે અને કહ્યું છે કે લોકપ્રિયતા મેળવવાના હેતુસર આ કાર્યવાહી કરાઈ છે. જનતા રેડમાં બે કોથળી જ દારૂ મળતા સમગ્ર મામલામાં નવો વળાંક આવી ગયો છે. પોલીસ ફરિયાદ પણ ત્રિપુટી સામે અગાઉ કરવામાં આવી હતી. ગાંધીનગર સેકટર-૨૧માં પોલીસ ફરિયાદ થઈ હતી. બીજી બાજુ આ લોકોએ મહિલા બુટલેગરના પતિની ધરપકડની પણ માંગણી કરી છે. વીડિયોમાં તપાસ કરવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે મહિલા બુટલેગરના પતિની ધરપકડની માંગના સંદર્ભમાં તપાસ બાદ જ નિર્ણય કરાશે.

(9:49 pm IST)