ગુજરાત
News of Saturday, 7th July 2018

સેટેલાઇટ ગેંગરેપ :આરોપી શખ્સો સામે કોઇ પુરાવા નહી

ગુજરાત રાજય મહિલા આયોગને રિપોર્ટ સોંપાયો :પુરાવા ન મળ્યા હોવાનો ખુલાસો :રાજય મહિલા આયોગ રિપોર્ટની સમીક્ષા બાદ સરકારને જરૂરી ભલામણો કરશે

અમદાવાદ,તા.૭ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે ખળભળાટ જગાવનાર સેટેલાઇટ ગેંગરેપ કેસમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા આખરે કેસની સમગ્ર તપાસનો વિગતવાર અહેવાલ ગુજરાત રાજય મહિલા આયોગને સુપ્રત કરી દીધો છે. જો કે, આ રિપોર્ટમાં કેસના આરોપીઓ વિરૂધ્ધ કોઇ પુરાવાઓ નહી હોવાનો ઉલ્લેખ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઇમબ્રાંચના આ ચોંકાવનારા ખુલાસા બાદ કેસમાં નવો વળાંક આવ્યો છે. બીજીબાજુ, હવે રાજય મહિલા આયોગ હવે પોલીસના આ રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ રાજય સરકારને જરૂરી ભલામણો કરશે. ઘોડાસર વિસ્તારમાં રહેતા એક વેપારીનું પુત્રીનું ધોળાદહાડે અપહરણ કરી તેની પર સામૂહિક દુષ્કર્મ કેસમાં શહેર ક્રાઇમબ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. જો કે, પીડિતા દ્વારા ક્રાઇમબ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટ સામે અભદ્ર વર્તન સહિતના કરાયેલા ગંભીર આક્ષેપો બાદ તેમને આ કેસની તપાસમાં હટાવી લેવાયા હતા, જેને લઇને મામલો ગરમાયો હતો. બીજીબાજુ, એક પછી એક તમામ આરોપીઓ નાટયાત્મક રીતે પોલીસ સમક્ષ હાજર થઇ જતાં ભારે ચર્ચા ચાલી હતી. એટલું જ નહી, ખુદ આરોપીઓ ગૌરવ દાલમીયા, વૃષભ મારૂ અને યામિની નાયરે તેમના નાર્કો, પોલીગ્રાફિક અને લાઇવ ડિટેકશન ટેસ્ટ કરાવવા મેટ્રોપોલીટન કોર્ટમાં અરજી કરતાં કેસમાં મહત્વનું ડેવલપમેન્ટ સામે આવ્યું હતું. આજે પણ આરોપીઓએ તેમના બ્રેઇન મેપીંગ ટેસ્ટ માટે મેટ્રો કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આરોપીઓના વૈજ્ઞાનિક પરીક્ષણો માટેની મંજૂરી આપી હતી. બીજીબાજુ, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ પાસેથી ગુજરાત રાજય મહિલા આયોગે સાત દિવસની સમયમર્યાદામાં કેસની તપાસ અને પ્રગતિ અહેવાલની માંગણી કરાઇ હતી, જેના અનુસંધાનમાં ક્રાઇમબ્રાંચ દ્વારા રાજય મહિલા આયોગને સીલબંધ કવરમાં કેસનો વિગતવાર તપાસ અહેવાલ રજૂ કરી દેવાયો હતો. જો કે, તેમાં આરોપીઓ વિરૂધ્ધ કોઇ પુરાવા નહી મળ્યા હોવાનો ઉલ્લેખ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્રાઇમબ્રાંચે એમ પણ જણાવ્યું છે કે, ભોગ બનનાર પીડિતાએ નોંધાવેલી ફરિયાદથી વિપરીત અને વિરોધાભાસી પુરાવાઓ અને હકીકતો કેસમાં સામે આવી છે. ફરિયાદમાં જે આરોપીઓના નામો છે, તેમની અટકાયત કરાઇ છે પરંતુ હજુ સુધી તેમની ધરપકડ નથી કરાઇ તે માટેના કારણો પણ રિપોર્ટમાં જણાવાયા છે. ક્રાઈમબ્રાંચ દ્વારા સુપ્રત કરાયેલા રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ રાજય મહિલા આયોગ દ્વારા આગામી દિવસોમાં સરકારને ભલામણો કરાશે.

(8:28 pm IST)