ગુજરાત
News of Saturday, 7th July 2018

દક્ષિણ ગુજરાતમાં વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો તરફ

તાપીનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થઈ ચુક્યો છે : નર્મદામાં આંબલી ગામ પાણીમાં ગરકાવ :ડાંગમાં કોઝવે પાણીમાં ગરકાવ થતા કેટલાક ગામડા સંપર્કવિહોણા થયા

અમદાવાદ, તા. ૭ : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પરિણામ સ્વરૂપે અનેક નદીઓ બે કાંઠે થઈ છે. સાથે સાથે અનેક ડેમ છલકાઈ ગયા છે. અનેક ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. ભારે વરસાદના પરિણામ સ્વરૂપે ડાંગમાં કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામડાઓ સંપર્કવિહોણા થઈ ગયા છે. નર્મદામાં આંબલી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેના લીધે અનેક ગામો સંપર્કવિહોણા થયા છે. અંબિકા અને ઓરસંગ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે નદીઓના ઉપરવાસમાં પણ ભારે વરસાદથી મીંઢોળા અને અંબિકા નદી બે કાંઠે થઈ ગઈ છે. દમણગંગા નદીના ઉપરવાસમાં આવેલા મધુબન ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. નદીમાં એક લાખ ક્યુસેક પાણી આવી ગયું છે. ધરમપુર ડાંગના ઉપરવાસમાં ભારે વરસાદના લીધે કોઝવે પાણીમાં ડુબી ગયો છે. આ ઉપરાંત ધરમપુરમાં વણખંભા ગામે આવેલી પારનદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. વરસાદને લઈને નદી બે કાંઠે થઈ ગઈ છે. તાપી જિલ્લામાં આવેલા ડોસવાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો હોવાના અહેવાલ મળ્યા છે. ડોસવાડા ડેમમાં પાણીની સપાટી ૧૨૩.૪૪ સુધી પહોંચી છે. પાણીની સપાટી ચિંતાજનક રીતે વધી છે. બીજી બાજુ સુરતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવી ગયા છે. ઉકાઈ ડેમની સપાટી વધીને ૨૫૧.૦૧ સુધી પહોંચી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અને નદી કાંઠાના વિસ્તારમાં  રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. ઓરસંગ નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. જનજીવન ઉપર પ્રતિકુળ અસર થઈ છે. દોસવાડા ડેમ ઓવરફ્લો થઈ જતા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી નદીઓમાં પાણીની સપાટી સતત વધી રહી છે.

(8:24 pm IST)