ગુજરાત
News of Saturday, 7th July 2018

યુવતીને આપઘાત કરવા મજબુર કરનાર અજાણ્યા 'ભૂત' સામે કોઇ ગુન્હો દાખલ થયો નથીઃ માત્ર અફવાઃ સૌરભ તોલંબીયા

સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ ચર્ચાનું વડોદરા એસપી દ્વારા ભારપુર્વક ખંડન

રાજકોટ, તા., ૭: ગુજરાતના પોલીસ તંત્રના ઇતિહાસમાં કદી કોઇ પોલીસ મથકે ન નોંધાઇ હોય તેવી ફરીયાદ નોંધાયાની ચર્ચા સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જ ખળભળાટ મચવા સાથે, ખરેખર આ ઘટનામાં સત્ય શું છે? તે જાણવા લોકોની સાથે પોલીસ તંત્રની પણ ઉત્કંઠા એટલી હદે વધી છે કે મામલો 'હોટ ટોપીક' બની ગયો છે.

આટલી પ્રસ્તાવના બાદ એ ઘટના શું છે ? તે જાણવા જેઓને આ ઘટનાની જાણ નથી તેથી ઉત્કંઠા વધે તે સ્વભાવીક છે. બન્યુ છે એવું કે, વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના ચોંકારી ગામની મનીષા પઢીયારે પોતાના શરીર પર કેરોસીન છાંટી અને દિવાસળીથી પોતાની જાતને જલાવવાનો પ્રયત્ન કર્યો હતો. યુવતીને તાકીદે સારવાર મળેતે માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.

રૂટીન મુજબ યુવતીનું નિવેદન નોંધવા પોલીસ હોસ્પીટલે પહોંચી ત્યારે તેણીએ ધડાકા જેવું નિવેદન કરતા જણાવ્યું કે પોતે જે આપઘાતનો પ્રયાસ કર્યો તે માટે તેણીને એક અજાણ્યા ભુતે મજબુર કરી. તેણીએ નિવેદનમાં વિશેષમાં જણાવ્યું કે મને મરી જવા મજબુર કરનાર એ અજાણ્યા ભુતના આદેશ મુજબ પોતે શરીર પર કેરોસીન છાંટયું અને એ ભુતના આદેશ મુજબ જ દીવાસળી ચાંપી જાત જલાવવા પ્રયાસ કર્યો. આ ઘટના બાદ સોશ્યલ મીડીયામાં એવી ચર્ચા વાઇરલ થઇ કે પોલીસે અજાણ્યા ભુત સામે ગુન્હો દાખલ કર્યો છે. જો કે યુવતીના પરિવારે પોલીસને એવું જણાવ્યું કે અમારી પુત્રીએ તેણીના સાસરીયાના કહેવાથી આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેણીના સાસરીયાએ જ ભુતની આખી સ્ટોરી ઉભી કરી છે. જો કે પોલીસને યુવતીની માનસિક હાલત બરોબર ન હોવાનું જણાયું છે.

ગુજરાતભરમાં પોલીસે અજાણ્યા ભુત સામે દાખલ કરેલ ફરીયાદ (ગુન્હો) બાબતે અને વાઇરલ થયેલી ચર્ચા અંગે વડોદરા રૂરલના કાર્યદક્ષ એસપી સૌરભ તોલંબીયાનો સંપર્ક સાધતા તેઓએ અકિલ સાથેની વાતચીતમાં પોતાના તાબા હેઠળના કોઇ પણ પોલીસ મથકમાં આ પ્રકારનો ગુન્હો ન નોંધાયાનું ભારપુર્વક જણાવ્યું હતું. તેઓએ જણાવેલ કે આ ચર્ચા માત્ર ને માત્ર અફવા છે. અજાણ્યા ભુત સામેની કોઇ ફરીયાદ અંગે ખોટી અફવા લોકોએ ન માનવા પણ તેઓએ અકિલાના માધ્યમથી વિનંતી કરી છે.

(1:35 pm IST)