ગુજરાત
News of Saturday, 7th July 2018

રાજદ્રોહ કેસ : હાર્દિકને ૨૧ સુધીની મહેતલ આપી દેવાઈ

ફટકાર બાદ હાર્દિક-ચિરાગ પટેલ કોર્ટમાં હાજર : ૨૧મી જૂલાઇ સુધીમાં હાઇકોર્ટ કે સુપ્રીમકોર્ટમાંથી રાહત મેળવવા મહેતલ : મહેતલ બાદ રાજદ્રોહ કેસમાં ચાર્જફ્રેમ

અમદાવાદ,તા. ૬ : પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ઉશ્કેરણીજનક ભાષણો કરી રાજયમાં હિંસા, તોડફોડ અને કોમી વૈમનસ્ય ફેલાવવાના ચકચારભર્યા રાજદ્રોહના કેસની મુદતમાં સતત ગેરહાજર રહેતા પાસના કન્વીનર હાર્દિક પટેલને ગત મુદતે કોર્ટે લગાવેલી ફટકાર બાદ આજે હાર્દિક પટેલ અને ચિરાગ પટેલે બંને કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહ્યા હતા. હાર્દિક પટેલના વકીલ તરફથી રાજદ્રોહ કેસમાં ચાર્જફ્રેમ કરવાના તબક્કામાં વધુ એક મહિનાની મુદત માંગતા કોર્ટને વિનંતી કરાઇ હતી કે, આ કેસમાં તેમની નામંજૂર થયેલી ડિસ્ચાર્જ અરજી સામે તેમણે હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટ સમક્ષ અરજીઓ કરેલી છે, તેથી ત્યાંથી કોઇ હુકમ કે રાહત આવે ત્યાં સુધી ચાર્જફ્રેમ કરવામાં ના આવે. જો કે, એડિશનલ સેશન્સ જજ ડી.પી.મહિડાએ આરોપીઓને તા.૨૧મી જૂલાઇનું અલ્ટિમેટમ આપતાં સાફ શબ્દોમાં સુણાવી દીધું હતું કે, તા.૨૧ જૂલાઇ સુધીમાં હાઇકોર્ટ કે સુપ્રીમકોર્ટમાંથી તમારે જે રાહત જોઇએ તે મેળવવાની ત્યાં સુધીની મહેતલ આપવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટ ખૂબ જ મહત્વના અને સંવેદનશીલ એવા રાજદ્રોહના આ કેસમાં તેઓની વિરૂદ્ધ ચાર્જફ્રેમ કરશે. ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસમાં અગાઉ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ વિરૂધ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું પરંતુ તેની બજવણી બાદ પણ હાર્દિક પટેલ કેસની સુનાવણી દરમ્યાન સામાજિક કામોનું બહાનુ ધરી હાજર નહી રહેતાં રાજય સરકાર તરફથી નવી અરજી કરી તેની વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા માંગણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ તરફથી અગાઉ આ કેસનું કામ તાત્કાલિક બોર્ડ પર લેવા, તેની વિરૂધ્ધ જારી કરાયેલું જામીનપાત્ર વોરંટ રદ કરવા અને કેસની સુનાવણી દરમ્યાન તેને હાજર રહેવામાંથી મુકિત આપવા માટે માંગણી કરવામાં આવી હતી. જો કે, કોર્ટે આકરા વલણ સાથે આ ત્રણેય અરજીઓ ફગાવી દીધી હતી અને હાર્દિક પટેલને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. રાજદ્રોહ કેસની સુનાવણી દરમ્યાન આરોપી હાર્દિક પટેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી અને ઘણી મુદતોથી આ કેસમાં અદાલત સમક્ષ હાજરી આપવામાં આવતી નથી. જામીન આપતી વખતે અદાલતની શરતોમાં પણ કેસના ટ્રાયલ વખતે આરોપીએ દર મુદતે હાજર રહેવાની સ્પષ્ટ તાકીદ કરાતી હોય છે. સુપ્રીમકોર્ટે પણ આ અંગે ચુકાદાઓ જારી કરેલા છે ત્યારે આરોપીઓ દ્વારા રાજદ્રોહના ખૂબ જ સંવેદનશીલ અને અતિમહત્વના કેસની સુનાવણીને ભારે હળવાશથી લેવાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. આરોપીના બેજવાબદાર વલણને લઇ ચાર્જફ્રેમનો તબક્કો વિલંબિત થઇ રહ્યો છે. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ગત મુદતે હાર્દિક પટેલ સહિતના આરોપીઓને ફટકાર લગાવી આજની મુદતે હાજર રહેવા કડક તાકીદ કરી હતી. જેના અનુસંધાનમાં આજે હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ કોર્ટ રૂબરૂ હાજર રહ્યા હતા પરંતુ દિનેશ બાંભણીયા કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હતા. જેના કારણે કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને આરોપીપક્ષને તા.૨૧ જૂલાઇ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું અને ત્યારબાદ અદાલત દ્વારા રાજદ્રોહ કેસમાં ચાર્જફ્રેમ કરવામાં આવશે તેવી સ્પષ્ટ તાકીદ કરાઇ હતી. હાર્દિક પટેલ તરફથી હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં પડતર અરજીનું કારણ ધરી એક મહિનાની મુદતની માંગણી કરવામાં આવી હતી, તે પણ કોર્ટે ધરાર ફગાવી દીધી હતી અને તા.૨૧ જૂલાઇ સુધીની જ મહેતલ આપી હતી.

(8:16 pm IST)