ગુજરાત
News of Saturday, 7th July 2018

મોનસુની વરસાદમાં ૫ દિવસ વિરામ રહે તેવી પ્રબળ શક્યતા

હળવા વરસાદી ઝાપટા જારી રહી શકે છેઃ અમદાવાદમાં મહત્તમ તાપમાન હવે ૩૪.૭ ડિગ્રી નોંધાયું

અમદાવાદ,તા.૬: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ બાદ હવે મોનસુનમાં બ્રેકની સ્થિતિ દેખાઈ રહી છે. આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદમાં બ્રેક રહે તેવી શક્યતા છે. જો કે, ભારતીય હવામાન વિભાગની વેબસાઇટ ઉપર જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ ક્ષેત્રિય હવામાન વિભાગે કહ્યું છે કે, રાજ્યમાં વરસાદ થોડાક દિવસ સુધી ઘટી શકે છે. ૧૦મી જુલાઈ બાદ ફરી એકવાર વરસાદ પડશે. આઈએમડીનું કહેવું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાઓનો દોર જારી રહી શકે છે.  ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાનો દોર છેલ્લા ૨૪ કલાકમાં જારી રહ્યો છે. ગયા શુક્રવાર બાદથી કોઇ એક દિવસમાં ઉલ્લેખનીય વરસાદ થયો નથી. બીજી બાજુ ભારે ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૪.૭ ડિગ્રી રહ્યું છે. મહત્તમ તાપમાનમાં ફરી એકવાર નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન વરસાદી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આંકડા ચોક્કસપણે ઓછા છે પરંતુ કેસો ઉપર નિયંત્રણ આવી રહ્યું નથી. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો છેલ્લા સપ્તાહના ગાળા દરમિાયન ઝાડા ઉલ્ટીના ૨૬૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૧૨૮ અને ટાઇફોઇડના ૧૨૩ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સાદા મેલેરિયાના ૧૧૨ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જુલાઈ મહિના દરમિયાન સાદા મેલેરિયાના ૧૧૯૪ કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં પણ વરસાદમાં વિરામની સ્થિતિ જોવા મળી રહી છે.

(10:47 pm IST)