ગુજરાત
News of Saturday, 7th July 2018

ભાજપના વિવિધ મોરચાના સભ્યો સાથે મિટિંગ યોજાઈ

વાઘાણી અને સતિષજીની ઉપસ્થિતિમાં બેઠકઃ બેઠકમાં દરેક મોરચાએ પ્રદેશથી લઇને મંડળ સુધી બધા સંગઠનાત્મક કાર્યક્રમનું રિપોર્ટિંગ કર્યું : હવે વર્કશોપ થશે

અમદાવાદ,તા.૬: ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારમિત્રો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ૧૭મી જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપાના તમામ મોરચાઓની સંયુક્ત કારોબારી યોજાઈ હતી. તેના અનુસંધાને આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપાના સાત મોરચા જેવા કે, યુવા  મોરચો, મહિલા મોરચો, અનુસૂચિત જનજાતિ મોરચો, અનુસુચિત જાતિ મોરચો, કિસાન મોરચો, લઘૂમતિ મોરચો અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ-મહામંત્રી સાથેની એક અગત્યની બેઠક યોજાઈ હતી.

પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, આજની આ બેઠકમાં દરેક મોરચાએ પ્રદેશથી લઈને મંડલ સુધીના સંગઠનાત્મક કાર્યક્રમોનું રીપોર્ટીંગ કર્યું હતું. સંગઠનની પ્રદેશથી મંડલ સુધીની રચના અંગે માર્ગદર્શન આપવામાં આપ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની સિધ્ધિઓનો નીચે સુધી પ્રચાર-પ્રસાર અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. છેવાડાના માનવી સુધી કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓ પહોચે તે માટે સેતુરૂપ કામગીરી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હવે આગામી સમયમાં સાત મોરચાના વર્કશોપ યોજાશે તેમજ આગામી કાર્યક્રમો અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવશે તેમ પંડ્યાએ જણાવ્યું હતું. આજની આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષઓ ભાર્ગવભાઈ ભટ્ટ, ગોરધનભાઈ ઝડફીયા, મહામંત્રીઓ કેસી પટેલ, ભરતસિંહ પરમાર, શબ્દશરણભાઈ બ્રહભટ્ટ તથા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, કેબીનેટ મંત્રી કૌશિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(10:52 pm IST)