ગુજરાત
News of Friday, 7th June 2019

પાક વીમા પ્રશ્ને કિસાન સંઘ-ખેડૂતોના ઉપવાસ જારી રહ્યા

બીરબીલની ખીચડી, દેખાવો-સૂત્રોચ્ચાર કાર્યક્રમ : ખેડૂત આગેવાનો અને કિસાન સંઘના નેતાઓના સમર્થનમાં કિસાન કોંગ્રેસ આગળ આવ્યું : વીમો ચૂકવાયાનો ઘટસ્ફોટ

અમદાવાદ,તા.૭ : પાકવીમો, ભાવાંતર યોજના લાગુ કરવા અને સરકાર દ્વારા ડેમ-તળાવો રિપેર અને ઊંડા ન કરાતા ખેડૂતો, કિસાન સંઘના આગેવાનો દ્વારા આજે સતત બીજા દિવસે રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે ઉગ્ર દેખાવો, આમરણાંત ઉપવાસ સહિતના કાર્યક્રમો ચાલુ રહ્યા હતા. ખેડૂતોના સમર્થનમાં આજે કિસાન કોંગ્રેસ પક્ષ પણ આગળ આવ્યો હતો અને ખેડૂતો સાથે જોડાઇ ભાજપ સરકાર પર આકાર પ્રહારો કર્યા હતા. રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા આજે બીરબીલની ખીચડી, સૂત્રોચ્ચાર અને દેખાવો જેવા ઉગ્ર કાર્યક્રમો યોજી સરકાર પરત્વે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. એટલું જ નહી, જ્યાં સુધી પાક વીમો નહીં મળે ત્યા સુધી ખેડૂતો ઉપવાસ ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી હતી, જેને લઇ સરકારી તંત્ર પણ દોડતુ થઇ ગયું હતું. સરકારના સચિવ સંજય પ્રસાદે એવા દાવો કર્યો હતો કે, ખેડૂતોને પાક વીમો ચૂકવાઇ ગયો છે પરંતુ ખેડૂતોએ તે મામલે તપાસની માંગ કરી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો, કિસાન સંઘ, રાજકોટ વેપારી એસોસીએશન દ્વારા ગઇકાલે રાજકોટના બહુમાળી ચોકથી રેલી કાઢી ઉપરોકત માંગણીઓ મુદ્દે સ્થાનિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના કમિશન એજન્ટ એસોસિએશને પણ ટેકો જાહેર કર્યો હતો. આજના રેલી અને ઉપવાસના કાર્યક્રમમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી બાદ૧૦થી વધુ ખેડૂતો રાજકોટના બેડી યાર્ડ બહાર આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસી ગયા હતા.  જો કે, ઉપવાસ અને રેલી દરમ્યાન પોલીસ દ્વારા કેટલાક ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનોની અટકાયત કરતાં ખેડૂતઆલમમાં ઉગ્ર આક્રોશની લાગણ ભભૂકી ઉઠી હતી. દરમ્યાન આજે સતત બીજા દિવસે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને ગુજરાત કિસાન કોંગ્રેસનું સમર્થન મળ્યું હતું. ખેડૂતોએ બેડી માર્કેટિંગ યાર્ડ બહાર વિરોધ નોંધાવ્યો હતો. તો, પાક વિમારૂપી બિરબલની ખીચડીની જેમ પાક વીમો ક્યારે પાકે છે તેને લઈને અનોખો વિરોધ નોંધાવ્યો હતો.  રાજકોટ વેપારી એસોસિએશન અને કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે આંદોલનના મંડાણ કર્યા છે. જેના ભાગરૂપે પાકવીમો, ભાવાન્તર યોજના જેવા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આમરણાંત ઉપવાસમાં બેઠેલા આગેવાનોના સમર્થનમાં ગુજરાત કિસાન સંઘના ચેરમેન પ્રમુખ વી.પી. વૈષ્ણવ પહોંચ્યા હતા અને તેમને આંદોલનને સમર્થન આપ્યું હતું. વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, ખેડૂતોને કપાસનો પાક વીમો મળે તે માટે રાજકોટ ચેમ્બર સરકારને રજુઆત કરશે. આ સાથે જ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો પહોંચ્યા હતા અને ખેડૂત આંદોલનને ચેમ્બર ઓફ કોમર્સે સમર્થન જાહેર કર્યું છે. મહત્વનું છે કે ખેડૂતોને કપાસનો પાકવીમો નહીં મળતા રોષ ફેલાયો છે. કપાસનો પાકવીમો ચૂકવવા અંગે ભારતીય કિસાન સંઘે અનેક વખત રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ખેડૂતો વિફર્યા હતા અને ગઇકાલથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. ખેડુતો હજુ નારાજ દેખાઈ રહ્યા છે.

(9:27 pm IST)