ગુજરાત
News of Friday, 7th June 2019

છૂટાછેડા બાદથી ડિપ્રેશનમાં રહેતા વેપારીની આત્મહત્યા

લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી લમણે ગોળી મારી :પિતા પોલીસ સ્ટેશનમાંથી રિવોલ્વર લઈને આવ્યા બાદ એક કલાકમાં પુત્રએ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી

અમદાવાદ, તા.૭ :     શહેરના ગુરૂકુળ વિસ્તારમાં આવેલી સનરાઇઝ પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી યુવકે પોતાના ઘરે રિવોલ્વર વડે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. યુવકના છૂટાછેડા થઇ ગયા હોવાથી તે ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો, જેથી તેણે આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વસ્ત્રાપુર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ઘરી છે. પોલીસે આત્મહત્યા પાછળ અન્ય કારણોની તપાસ પણ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ગુરૂકુળ વિસ્તારમાં સનરાઇઝ પાર્ક સોસાયટીમાં રહેતા ઉજવલસિંગ ઢીગરાએ પોતાના અંગત વપરાશ માટે લીધેલી રિવોલ્વર ચૂંટણીના કારણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી. ગઇકાલે ગુરુવારે બપોરે ૧૨ વાગે ઉજવલસિંગ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાંથી પોતાની રિવોલ્વર પરત લાવ્યાં હતાં. દરમ્યાન તેમના પુત્ર ગુરમિતસિંગએ તેના પિતાને જણાવ્યું હતું કે, હવે હું આ હથિયાર મારી પાસે રાખીશ અને તેનું લાઇસન્સ મારા નામે ટ્રાન્સફર કરાવી લઇશ. ત્યારબાદ આ વેપન તેણે તેની પાસે રાખ્યું હતું. દરમિયાનમાં ૧ વાગ્યાની આસપાસ ગુરમિતે બાથરૂમમાં રિવોલ્વર વડે માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. વસ્ત્રાપુર પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગુરમિતના ડિવોર્સ થઇ ગયા હતા. ત્યારથી તે ડિપ્રેશનમાં હતો અને તેની દવા ચાલતી હતી. ડિવોર્સના કારણે તે માનસિક રીતે ભાગી પડ્યો હતો અને ટેન્શનમાં રહેતો હોવાથી તેણે આત્મહત્યા કરી દીધી હોવાનું પરિવારજનોએ નિવેદનમાં જણાવ્યું હતું. પોલીસે પરિવારજનોનું નિવેદન નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. તો સાથે સાથે આત્મહત્યા પાછળ અન્ય કોઇ કારણ જવાબદાર છે કે કેમ તેની તપાસ જારી છે.

(8:18 pm IST)