ગુજરાત
News of Friday, 7th June 2019

દહેગામ તાલુકામા પૈસા ચુકવવાની બાબતે 42 વર્ષીય શખ્સે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

દહેગામ: તાલુકાના ચેખલાપગી ગામે રહેતાં ૪ર વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અને પરિવારજનોએ તેની અંતિમવિધિ પણ કરી દીધી હતી. ત્યારબાદ વીડીયો મારફતે પરિવારને જાણ થઈ હતી કે પઢાયડા ગામમાં કેટલાક શખ્સોએ બકરી પેટે ત્રણ હજાર રૂપિયા ચુકવવા માટે અત્યાચાર ગુજાર્યો હતો અને જેનાથી કંટાળી આ યુવાને આપઘાત કર્યો હોવાનું જણાયું હતું. પઢાયડા ગામના દસથી વધુ વ્યક્તિઓ સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ચેખલાપગી ગામે રહેતાં રાજુજી બાદરજી રાઠોડ ગત રવિવારે પઢાયડા ગામમાં બાજરી લણવા માટે ગયા હતા. આ દરમ્યાન બપોરના સમયે તેઓ જમવા બેઠા તે સમયે તેમના ગામના દશરથજી પ્રતાપજી રાઠોડ પણ તેની સાથે જમવા બેઠા હતા. આ જ સમયે પઢાયડા ગામના બકાજી બાદરજી, સોમાજી બાદરજી, દેવાજી બાદરજી અને પરબતસિંહ કડવાજી તેમની પાસે આવ્યા હતા અને કહયું હતું કે તમે અમારુ બકરુ કેમ મારી નાંખ્યું? અને રાજુજી તેમજ દશરથજીને ગાળો બોલી માર મારવાનું શરૂ કર્યું હતું. 

(5:31 pm IST)