ગુજરાત
News of Friday, 7th June 2019

ખંભાત તાલુકામા સોખડા ગામે બસે ટ્રકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં 13 મુસાફરને ગંભીર ઇજા

આણંદ: જિલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા-ફતેપુરા માર્ગ ઉપર આવેલ સોખડા ગામ નજીક ગઈકાલ મધ્યરાત્રિના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક લક્ઝરી બસે લાકડા ભરીને જઈ રહેલ એક ટ્રકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મધ્યરાત્રિના સુમારે સર્જાયેલ આ અકસ્માતમાં ૧૩ જેટલા મુસાફરોને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. 

જો કે આ અકસ્માતની જાણ ૧૦૮ ઈમરજન્સી સેવાને થતાં કર્મચારીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ૧૦૮ની ત્વરીત સારવાર મળતા નવ જેટલા ઈજાગ્રસ્તોનો આબાદ બચાવ થયો હતો. ૧૦૮ની આ સેવાને સ્થળ ઉપર હાજર વ્યક્તિઓએ બિરદાવી હતી.

(5:29 pm IST)